36મી રાષ્ટ્રીય રમતોનું યજમાન બન્યું છે ત્યારે જૂનાગઢ
જિલ્લામાં રમત ગમત માટે વ્યાપક જનજાગૃતિ ઉભી
થાય અને વિદ્યાર્થીઓ-યુવાનો ખેલ ક્ષેત્રે આગળ વધવા
માટે પ્રોત્સાહન મળે તેવા આશય સાથે સાંસદ રાજેશભાઈ
ચુડાસમાની અધ્યક્ષતામાં ખેલ જાગૃતિલક્ષી કાર્યક્રમ યોજાયો
હતો.જિલ્લાના શ્રેષ્ઠ રમતવીરો અને ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ
દેખાવ કરનાર શાળાઓને ટ્રોફી પ્રમાણપત્ર આપી સન્માનિત
કરવામાં આવ્યા હતા.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના
ઓડિટોરિયમમાં યોજાયેલા આ સમારોહમાં સંબોધતા
રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી
અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ પ્રયાસો અને રાજ્ય
સરકારની ખેલ પ્રોત્સાહક નીતિના પગલે ગુજરાતને રમત
ગમત ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરવામાં સફળતા મળી
છે. તત્કાલીન સમયમાં પ્રધાનમંત્રીએ ગુજરાતના આંતર
માળખાકીય વિકાસની સાથે સામાજિક વિકાસને પણ
એટલું જ મહત્વ આપ્યું હતું. જેમાં રમત ગમત ક્ષેત્રે
ખેલ મહાકુંભના માધ્યમથી વિદ્યાર્થીઓ-રમતવીરોને એક
પ્લેટફોર્મ મળ્યું છે. ખેલાડીઓને પ્રોત્સાહન આપવાની સાથે
ક્વોલીફાઈડ કોચ - ટ્રેનર દ્વારા ખેલકૂદ ક્ષેત્રે આગળ વધવા
માટે માર્ગદર્શન મળી રહ્યું છે. રાજ્ય સરકારે રમત ગમત
માટેના આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાની
સાથે રમતવીરોને યોગ્ય દિશા આપવામાં આવી રહી છે. સાંસદે ઉમેર્યું કે, ગુજરાત સરકારે ત્રણ મહિનાના ટૂંકા
ગાળામાં રાષ્ટ્રીય રમતો માટેનું આયોજન કર્યું છે. ત્યારે આ
રમતોત્સવમાં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે જોડાઈએ. આ સાથે તેમણે
વિદ્યાર્થીઓને રમતની સાથે સાથે અભ્યાસ પર ધ્યાન આપવા
જણાવ્યું હતું.ભૂતકાળમાં રમત ગમત માટે સુવિધાઓ અને
વ્યવસ્થાઓનો અભાવ હતો ત્યારે આજે પ્રધાનમંત્રી શ્રી
મોદીની દ્રષ્ટિવંત વિચારધારાના પગલે વિદ્યાર્થીઓએ જોયેલા
સપનાઓ સાકાર થઈ રહ્યા છે.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ