નેશનલ ગેમ્સ'ને લઈ જાગૃત્તિ વધારવા માટે ગજેરા સંકુલની વિદ્યાર્થિનીઓએ જૂડો સહિતની રમતોનું નિદર્શન કર્યું

ખેલ મહાકુંભ-૧૧માં અમરેલી જિલ્લાની શ્રેષ્ઠ ત્રણ શાળાઓને ચેક વિતરણ અને પ્રોત્સાહક ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવી

ભારતના રમતવીરોની કળા-પ્રતિભાને ખીલવવાનું કામ કેન્દ્ર અને રાજ્ય સરકારે કર્યુ છે, ગુજરાત સરકારે ખેલ મહાકુંભના કોન્સેપ્ટ થકી રમતોનું મહત્વ શાળા કક્ષાએથી જ વધાર્યુ છે.

- જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર.સી.મકવાણા

અમરેલી તા.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ (ગુરુવાર) રમત ગમત,યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા અમરેલી સ્થિત શ્રીમતી શાંતાબેન ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે ૩૬મી 'નેશનલ ગેમ્સ'ને લઈ ખેલાડીઓનો ઉત્સાહ અને જાગૃત્તિ વધારવા માટે જિલ્લા કક્ષાએ અવેરનેસ કેમ્પેઈન કાર્યક્રમ સામાજિક ન્યાય અધિકારિતા રાજ્ય મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર.સી.મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ગુજરાતમાં 'ખેલ મહાકુંભ' રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના થકી ગુજરાતના યુવા રમતવીરોનો ઉત્સાહ વધી રહ્યો છે. આગામી તા.૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોબર, ૨૦૨૨ સુધી ૩૬મી 'નેશનલ ગેમ્સ' ગુજરાતના આંગણે આયોજિત થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર ગુજરાત 'નેશનલ ગેમ્સ'ના આયોજનને લઈ ઉત્સાહિત છે. પ્રભારી મંત્રીશ્રી આર.સી.મકવાણાએ કાર્યક્રમને સંબોધન કરતાં જણાવ્યું કે, ભારતના રમતવીરોની રમતગમત સહિતની આંતરિક પ્રતિભાને ખીલવવાનું કામ કેન્દ્ર અને રાજ્ય સરકારે કર્યુ છે. ગુજરાતે 'ખેલ મહાકુંભ' જેવા રમતોત્સવના આયોજન થકી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે અને રમતગમતોનું મહત્વ શાળા કક્ષાએથી જ વધાર્યુ છે.

             'નેશનલ ગેમ્સ' અવેરનેસ કેમ્પેઈન કાર્યક્રમમાં ખેલ મહાકુંભ-૧૧માં જિલ્લાની શ્રેષ્ઠ દેખાવ કરનાર શાળાઓને જિલ્લા પ્રભારીમંત્રીશ્રી આર.સી.મકવાણાના હસ્તે ચેક વિતરણ ઉપરાંત સન્માન ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્ય હતા. કે.જે.બાખડા ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ-સાવરકુંડલાને પ્રથમ ક્રમાંકનો રૂ. ૧,૫૦,૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ઉપરાંત દ્વિતીય ક્રમાંક પર રહેલા વિદ્યાસભા વિકાસ વિભાગ પ્રાથમિક શાળા-અમરેલીને રૂ.૧ લાખનો ચેક અને શ્રીમતી શાંતાબેન ગજેરા ઉચ્ચ માધ્યમિક શાળા-અમરેલીને રૂ.૭૫ હજારનો ચેક અને ટ્રોફી અર્પણ કરવામાં આવ્યા હતા.

           નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન કાર્યક્રમમાં ગજેરા શૈક્ષણિક સંકુલની વિદ્યાર્થીનીઓએ જુડો સહિતની રમતોનું ઈનડોર નિદર્શન કર્યું હતું ઉપરાંત ભુજંગાસન, ધનુરાસન,સર્વાંગાસન સહિતના યોગ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લાના સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ જણાવ્યુ કે, કેન્દ્ર સરકાર અને રાજ્યની સરકારે ખેલાડીઓને પ્રતિભાશાળી રમતવીરોને રોકડ પુરસ્કાર આપીને તેમનું મનોબળ વધારવાનું કામ પણ કર્યુ છે. આ અવેરનેસ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા, જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંઘ, જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી સહિત પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, રમતવીરો, વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.