ગાંધીનગર ખાતેથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી ભારતી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા BLOsની વર્ચ્યુઅલ ઉપસ્થિતિવડોદરાની માંજલપુર વિધાનસભા મતવિસ્તારના BLO સુશ્રી સુહાસિની પટેલે ભારતના ચૂંટણી પંચના અધિકારીશ્રીઓ સમક્ષ પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યાદ્વિમાસિક ઈ-પત્રિકા થકી દેશભરના ૧૦ લાખથી વધુ બુથ લેવલ ઑફિસર્સની સાથે સીધા સંપર્ક માટે ચૂંટણી પંચની અનોખી પહેલઉત્તમ કામગીરી કરનાર BLOની સાફલ્ય ગાથાઓ અને બેસ્ટ પ્રેક્ટીસીઝ સહિતની બાબતોનો ઈન્ટરએક્ટીવ પત્રિકામાં કરાશે સમાવેશઅમરેલી, તા.૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ (બુધવાર) ભારતમાં મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ માટે સંકલ્પબદ્ધ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાના પ્રયાસો કરવામાં આવે છે. જેના ભાગરૂપે દિલ્હી ખાતેથી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમાર દ્વારા BLO ઈ-પત્રિકાનું વર્ચ્યુઅલ વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી કમિશનર શ્રી અનુપ ચંદ્ર પાંડે, ભારતના ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા વિવિધ રાજ્યોના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીઓ અને બુથ લેવલ ઑફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.ગાંધીનગર ખાતેથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતી, અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી આર.કે. પટેલ, સંયુક્ત નિયામકશ્રી મનિષ પંડ્યા, અધિક કલેક્ટરશ્રી રિન્કેશ પટેલ તથા રાજ્યના વિવિધ જિલ્લાઓના બુથ લેવલ ઑફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી ખાતેથી BLO પત્રિકાના વિમોચન કાર્યક્રમમાં ચૂંટણી પંચના સિનિયર ડેપ્યુટી ઈલેક્શન કમિશનરશ્રી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, અલગ અલગ સ્કેલ અને ડાયવર્સિટીને સમાવતી આ ઈ-પત્રિકા દેશભરમાં કાર્યરત બુથ લેવલ ઑફિસર્સને એક પ્લેટફોર્મ પર લાવવાનું મહત્વનું પ્લેટફોર્મ સાબિત થશે.આ પ્રસંગે દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત દિલ્હી, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન ઉપરાંત વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા મેઘાલય, તમિલનાડુ, હિમાલચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતના બુથ લેવલ ઑફિસર્સ દ્વારા ભારતના ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીશ્રીઓ સમક્ષ કામગીરી દરમ્યાનના પોતાના અનુભવો તથા પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતાં વડોદરાની માંજલપુર વિધાનસભા મતવિસ્તારના BLO સુશ્રી સુહાસિની પટેલે જણાવ્યું કે, મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત શહેરી વિસ્તારમાં આવેલી સોસાયટીઓના પ્રમુખ તથા હોદ્દેદારોનો સંપર્ક મદદરૂપ સાબિત થયો. સોસાયટીઓના વૉટ્સઍપ ગૃપમાં સામેલ થઈ મતદારયાદી સુધારણા, વૉટર્સ હેલ્પલાઈન ઍપનો ઉપયોગ અને PwD મતદારોને મળતી સુવિધાઓ સહિતની જાણકારી અને માર્ગદર્શન આપવાના કારણે કામગીરી વધુ સરળતાથી થઈ શકી. BLOશ્રીએ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની સુચના અનુસાર ૮૦ વર્ષ કે તેથી વધુ ઉમર ધરાવતા વરિષ્ઠ મતદારોને કૃતજ્ઞતા પત્ર અર્પણ કર્યાની કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો.ઈલેક્શન કમિશનરશ્રી અનુપ ચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે, આ પત્રિકા પેપરલેસ છે, જેના કારણે તેનો વ્યાપ વધશે. આ થ્રી વે કમ્યુનિકેશન છે. જેમાં BLO માટે ચૂંટણી પંચના આદેશોનો ઉલ્લેખ હશે, સાફલ્ય ગાથાઓ અને ફિડબેક માટેનું પ્લેટફોર્મ પણ છે તથા દેશના વિવિધ ભાગોમાં કામગીરી દરમ્યાન સર્જાતી સમસ્યાઓને BLOએ કઈ રીતે હલ કરી તેનો પણ ઉલ્લેખ હશે જે અન્ય BLO શીખી શકશે એટલે કે આ ઈન્ટરલર્નિંગ પ્લેટફોર્મ પણ છે. પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ થનાર આ ઈ-પત્રિકા રિસીવ, ટ્રાન્સમીટ, ઈન્ટરએક્ટ અને રિસ્પોન્ડ જેવા મહત્વના પાસાઓને સમાવી લે છે.ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી રાજીવ કુમારે જણાવ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં BLO સાથે સીધો સંવાદ કરવાની તક મળી તે મારા માટે આનંદની ક્ષણ છે. BLO એ પાયાના પથ્થર છે, જેમના પર આ આખી લોકતાંત્રિક પ્રક્રિયા ટકેલી છે એમ કહી શકાય. ભારતના બંધારણ “We the People” થી શરૂ થાય છે અને આ ‘લોકો’ ને એક સાથે કનેક્ટ કરવાનું કામ BLO કરે છે. અનેક મુશ્કેલીઓ અને પડકારો વચ્ચે પણ દેશના દરેક ખૂણે એકસરખી કાર્યપ્રણાલીથી કામગીરી થઈ રહી છે.મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી રાજીવ કુમારે વધુમાં જણાવ્યું કે, ચૂંટણી પંચનું ફોકસ નાન્યતર જાતિના લોકો, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો પર છે. સમાજમાં તેમની સાથે થઈ રહેલો વ્યવહાર કે તેમના પ્રત્યેનું વલણ આપણે જાણીએ છીએ. તેમને તમારા થકી સન્માન અને સહકાર મળે તે જોવાની ફરજ પણ તમારી છે. ઉપરાંત સમય સાથે ટેક્નોલોજીમાં થઈ રહેલા પરિવર્તનને અનુરૂપ થવા તમારા વિસ્તારનો ડેટાબેઝ મહત્વપૂર્ણ સાબિત થશે. વિવિધ એપ્લિકેશન્સમાં પણ જરૂરી સુધારા કરવામાં આવી રહ્યા છે જે BLOની કામગીરીને વધુ સરળ બનાવશે.આવનારા દિવસોમાં BLO ઈ-પત્રિકા થકી સંવાદ વધુ સઘન બનશે તેમ જણાવી મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી રાજીવ કુમારે ચૂંટણી પ્રક્રિયાને ન્યાયીક, પારદર્શક અને સમાવેશી બનાવી લોકશાહીને વધુ મજબૂત કરવા નિષ્ઠાપૂર્ણ યોગદાન અવિરત રહે તેવી અપીલ કરી હતી.ભારતના ચૂંટણી પંચના “એક પણ મતદાર બાકી ન રહી જાય”ના સુત્રને સાર્થક કરવા પોતાના વિસ્તારના મતદાર તરીકેની લાયકાત ધરાવતા પ્રત્યેક નાગરિકને મતાધિકારના એક તાંતણે બાંધનાર અને Foot Soldiers of Democracy એવા બુથ લેવલ ઑફિસર્સની કામગીરીને બિરદાવવા અને તેમને વધુ સારી કામગીરી માટે પ્રેરીત કરવા ભારતના ચૂંટણી પંચ દ્વારા દર બે મહિને BLO ઈ-પત્રિકા સંપાદિત કરાશે.

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી