સુરતના ડુમસ ખાતે સમર્થ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘શિક્ષા સંગમ સમાપન’ સમારોહ યોજાયો

સુરતના ડુમસ ખાતે સમર્થ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘શિક્ષા સંગમ સમાપન’ સમારોહ યોજાયો

       સુરતના ડુમસ સ્થિત અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટ સંચાલિત અગ્ર એક્ઝોટિકા ખાતે સમર્થ ટ્રસ્ટ દ્વારા આયોજિત શિક્ષા સંગમનો સમાપન સમારોહ મહારાષ્ટ્રના રાજ્યપાલશ્રી ભગતસિંહ કોશિયારી પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. તા.૧૧ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા શિક્ષા સંગમ સમારોહમાં સમગ્ર રાજ્યના શિક્ષકો, આચાર્યો, પ્રાધ્યાપકો દ્વારા વિચારવિમર્શ અને ગહન ચિંતન કરવામાં આવ્યું હતું. 

              આ પ્રસંગે રાજ્યપાલીશ્રી ભગતસિંહ કોશિયારીએ શિક્ષાના સંગમ થકી દેશને એકતાના તાંતણે જોડવા માટે આવનારા સમયમાં ટીમ ગુજરાતની જેમ, ટીમ ભારત દ્વારા વિવિધ પ્રાંતના શિક્ષકોને જોડીને નવા ભારતના નિમાર્ણમાં સહભાગી થવાનો અનુરોધ કર્યો હતો. નવી શિક્ષણનિતિને લક્ષ્યમાં રાખીને સમર્થ ટ્રસ્ટ શિક્ષા ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરી રહ્યું છે. જ્યારે પણ દેશમાં વિકાસની વાત આવે ત્યારે તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન દ્વારા વિકસાવેલા ગુજરાતના મોડેલને અપનાવવાની હિમાયત કરવામાં આવે છે. 

              વધુમાં રાજ્યપાલશ્રી જણાવ્યું કે, આજે ૧૪મી સપ્ટેમ્બર એટલે હિન્દી ભાષા દિવસ છે અને દેશના કોઈ પણ ખુણે જશો ત્યાં હિન્દી ભાષા સમજનાર મળી જ રહેશે એટલે જ હિન્દી ભાષા દેશને જોડનારી ભાષા બની છે. દેશની એક માત્ર એવી ભાષા છે જે ૯૦ ટકા લોકો સમજી શકે છે. 

              સ્વયં આચરર્તે અસ્તુ: એટલે જે સ્વયં આચરણ કરે છે તેને આચાર્ય કહેવાય. સમાજને આગળ વધારવા જીવનમાં નાની નાની બાબત ઘણું શીખવી જાય છે. અને ગુજરાત નરસિંહ મહેતા, પુજ્ય મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વંદનિય વિભૂતિઓની જન્મભૂમિ રહી છે.

            સુરતના તાપી તટે યોજાયેલા શિક્ષણ સંગમ કાર્યક્રમથી વિચારવાન, સદાચારી અને શિસ્તબ્ધ સમાજનું નિર્માણ થશે એમ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું. 

             નોંધનીય છે કે, આવતા વર્ષે પણ દેશના ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાન રાજ્યના શિક્ષકો, પ્રાધ્યાપકો જોડાઈને નવા ભારતના નિર્માણમાં સહભાગી થશે.

              આ પ્રસંગે વીર નર્મદ યુનિવર્સિટીના VC કે.એન.ચાવડા, ટ્રસ્ટના ઉપ પ્રમુખ ન્યાયાધીસ સંભુનાથજી શ્રીવાસ્તવ, સમર્થ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ ડો. માયાબેન કોડનાની, સમર્થ ટ્રસ્ટના ન્યાસી લક્ષ્મીનારાયણ ભલા, મહામંત્રી મનિષભાઈ મંઝુલ, ટ્રસ્ટી મનિષ પટેલ, સમગ્ર રાજ્યના આચાર્યો, શિક્ષકો, શાળાસંચાલકો સહિત શિક્ષણ તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.