મહુધા તાલુકાના વાસણા ગામના કુપાતલાવડી વિસ્તારમાં પાણીનો નિકાલ ન થતાં આસપાસમાં રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે વારંવાર રજુઆત કરવા છતાં કોઇ પગલાં ભરવામાં આવતાં નથી. જેને કારણે ગ્રામજનોમાં રોષની લાગણી જન્મી છે.
કઠલાલ વાસણામાં વારંવાર કેનાલનું પાણી ભરાઇ જાય છે જેને કારણે નજીકમાં આવેલા વાસણા (મહિસા)ના કુપાતલાવડી વિસ્તારમાં ઉભરાયેલા પાણીનો નિકાલ થતો નથી. આ સમસ્યા દર વર્ષે ચોમાસામાં સર્જાય છે. આ બાબતે તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં આ વિસ્તારમાં રસ્તો બનાવવામાં આવતો નથી. આ સમસ્યાનો નિકાલ સત્વરે કરવામાં આવે તેવી માગણી છે. કુપાતલાવડી વિસ્તારમાંથી પસાર થતી કેનાલ જર્જરિત હોવાથી તેનું પાણી રસ્તામાંભરાયેલું રહે છે. આ અંગે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લાપંચાયત કક્ષાના અધિકારીઓને પણ રજુઆતો કરાઇ હતી. આમ છતાં કોઇ પગલાં ભરાયાં નથી.
ગ્રામજનોના જણાવ્યાનુસાર, વાસણા (મહિસા) પરા વિસ્તારમાં 200 ઉપરાંત લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં રહેતા પરિવારજનો રોજીંદા કામ અર્થે ગામમાં આવતા જતા હોય છે. આ વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી પાણીનો નિકાલ નહીં થતાં સ્થાનિકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહયો છે.