ભુજ, રાજ્યના સૌથી જૂના કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર ડો. શેફાલિકા અવસ્થીની બદલી જૂનાગઢ મ્યુઝિયમ ખાતે કરાઈ છે, તેમના સ્થાને જામનગર પુરાતત્વીય સંગ્રહાલયના ક્યુરેટર બૂલબૂલ હિંગરાજિયાને ભુજ મુકાયા છે.ભગવત પુરાણના દશમસ્કંધનાં ચિત્રો પર મહાનિબંધ લખી પીએચ.ડી. થયેલા શેફાલિકાબેનને અનુસ્નાતક કક્ષાએ ગોલ્ડ મેડલ પણ મળ્યો છે. તેમણે અનેક સેમિનાર, વેબિનારમાં શોધપત્રો રજૂકર્યા છે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામયિકોમાં લેખ પ્રકાશિત થયા છે. પોતાના કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર તરીકેના કાર્યકાળ દરમ્યાન મ્યુઝિયમને લોકભોગ્ય બનાવવાના અનેક પગલાંઓ ભરી લોકચાહના મેળવી હતી. સંગ્રહાલયમાં નમૂનાઓને વિશિષ્ઠ રીતે પ્રદર્શિત કરવા, સમયાંતરે તેની ફેરબદલી કરી સંગ્રહાલયને જીવંત રાખવા પ્રયાસ કર્યો હતો. સંગ્રહાલયમાં આવતાં બાળકો માટે ખાસ અલાયદો બાલ વિભાગનો આરંભ કર્યો હતો. કોરોનાકાળ સમયે અનેક વેબિનારમાં કચ્છ મ્યુઝિયમના સંગ્રહ વિશે લોકોને અવગત કર્યા હતા. આ ઉપરાંત મ્યુઝિયમ સપ્તાહ, વિશ્વ વારસા દિન, સંગ્રહાલય સ્થાપના દિન, યોગ દિવસ, જળદિન, પર્યાવરણ દિવસ જેવા દિવસોની ઉજવણી વિશિષ્ઠ રીતે શાળાનાં બાળકો અને શહેરના લોકોને સાથે રાખીને કરવાની પરંપરા રાખી હતી. તો ભુજ શહેરના સ્થાપત્યો, મંદિરોથી નગરના લોકો અને ભુજ આવતા મુલાકાતીઓ અવગત થાય એ માટે ખાસ હેરિટેઝ વોકનો પણ આરંભ કરાવ્યો હતો. સ્વચ્છતા તરફ પણ લોક જાગૃતિ કેળવવા સંગ્રહાલયમાં આવેલા બગીચાનું નવીનીકરણ કરાવી તેમાં વિવિધ ફૂલ-છોડનું વૃક્ષારોપણ પણ શાળાનાં બાળકોના હાથે દરેક ફૂલ-છોડની સમજ સાથે વિશિષ્ઠ રીતે કરાવ્યું હતું. તો સફાઈ માટે ભુજ નગરપાલિકા દ્વારા સરકારી કચેરીઓ માટેની સ્વચ્છતા માટેની સ્પર્ધામાં કચ્છ મ્યુઝિયમનો પ્રથમ નંબર આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, કચ્છમિત્ર તથા ઇન્સ્ટિટયૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા આરંભાયેલા યુવાનો માટે કારકિર્દી માર્ગદર્શનના ખાસ સંવાદના બીજા મણકામાં તેમણે યુવાનોનું માર્ગદર્શન કર્યું હતું.