ભુજ,રાજ્ય પર સર્જાયેલી બે સક્રિય વરસાદી સિસ્ટમની અસર તળે કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદે કડાકા-ભડાકા સાથે હાજરી પુરાવી હતી. સાત તાલુકામાં ઝાપટાથી લઈ ત્રણેક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો તેમાં સર્વાધિક મેઘકૃપા મુંદરા તાલુકામાં વરસ હતી. ઉપરાંત લખપત તાલુકામાં એક ઈંચ, માંડવી તાલુકામાં એક ઈંચ, ભુજના પચ્છમમાં ઝાપટાં, અબડાસામાં અડધો, નખત્રાણામાં અડધોથી એક ઈંચ વરસાદ વરસ્યો હતો. લખપતના લાખાપર વાડી વિસ્તારમાં વીજળી પડતાં એક યુવતીનું મોત નીપજ્યું હતું. હવામાન વિભાગે વધુ બે દિવસ તોફાની તો ચાર દિવસ હળવા-મધ્યમ વરસાદની આગાહી કરી છે. - મુંદરા તાલુકામાં કડાકા-ભડાકા સાથે ધોધમાર : મુંદરા તાલુકાના વવાર, છસરા, મોખા, વડાલામાં રવિવારના બપોરે બે વાગ્યે મેઘરાજાએ ગાજવીજ સાથે ધામકેદાર પધરામણી કરી હતી અને એકથી દોઢ કલાકમાં અઢીથી ત્રણ ઈંચ વરસાદ વરસતાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. પાકને અને ઘાસચારાને આ વરસાદથી ફાયદો થશે એવું ખેડૂતમિત્રો અને માલધારી ભાઈઓએ જણાવ્યું હતું. તો મુંદરા બ્યૂરોના અહેવાલ અનુસાર ભાદરવાના ભુસાકાએ બપોર બાદ વરસાદનું જોરદાર ઝાપટું પડતાં મુંદરાની બજારમાં પાણી વહી નીકળ્યાં હતાં. અતિશય ગરમીના કારણે તથા હવામાન વિભાગની આગાહીના પાગલે ધ્રબ, પ્રાગપર, લાખાપર, મોટી ભુજપર, દેશલપર કંઠી, છસરા, ઝરપરા સહિતના ગામોમાં વરસાદનાં ઝાપટાં પવન સાથે પડયાં હતાં એવા હેવાલ પ્રાપ્ત થયા છે. ગરમીનું પ્રમાણ યથાવત્ છે તથા આકાશ ગોરંભાયેલું હોવાના કારણે વરસાદની આશા છે. મુંદરામાં સત્તાવાર રીતે 10 મિ.મી. વરસાદ નોંધાયો હતો. ધ્રબથી કિસાન અગ્રણી હુસેનભાઈ તલાટીએ જણાવ્યું કે, વારંવાર ઝાપટાંના લીધે એક ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે બાગાયત તથા સીમમાં ઊભેલા ઘાસને મોટો ફાયદો થશે. ઉપરાંત કપાસ, એરંડા, મગફળી, બાજરો, જુવાર જેવા પાકને પણ ફાયદો થશે. મોં માગ્યા મીં મળતાં કિસાનોમાં ખુશીની લહેર જોવા મળે છે. - ત્રગડીમાં અડધોથી એક ઈંચ : ભારે બફારા બાદ ત્રગડી ગામે અઢીથી ત્રણ વાગ્યા દરમ્યાન ગાજવીજ સાથે એક ઈંચ જેવો વરસાદ પડી ગયો હતો તેવું અગ્રણી લાંગાય હાજી અબ્દુલ્લાએ જણાવ્યું હતું. - કોડાય વિસ્તારમાં વધુ એક ઈંચ' : માંડવી તાલુકાના કોડાય આજુબાજુના ગામોમાં બપોરના' ભાગે ગાજવીજ સાથે એક ઈંચ જેટલો વરસાદ પડયો હતો. પિયાવાથી ખેડૂત અગ્રણી હિરજીભાઈ વરસાણી અને કલ્યાણજી ગાજપરિયાએ જણાવ્યું હતું કે, બપોરે એક ઈંચથી વધારે વરસાદ પડયો હતો. મદનપુરથી અરવિંદ જીવરાજ રામજિયાણીએ પણ વરસાદના સમાચાર આપ્યા હતા. દુર્ગાપુરથી ઈશ્વરભાઈ રૂડાણીએ જણાવ્યું હતું કે, રત્નપર પાટી પાસે સારો વરસાદ પડયો હતો. - નખત્રાણા તાલુકામાં અડધોથી એક ઇંચ : છેલ્લા બે-ત્રણ દિવસથી સખત ગરમી ને બફરાનાં લીધે લોકો ત્રસ્ત હતા ત્યારે બપોરે 3-30 વાગ્યે ફરી મેઘરાજાએ ધોધમાર પધરામણી કરી હતી. સવારથી જ વરસાદી માહોલ છવાયા બાદ નખત્રાણા તા. રવાપર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વાલ્કા મોટા (નાના), હરિપર, ઘડાણી, મેઘપર, આમારા, નવાવાસ, વિગોડી, નાગવીરી, પાનેલી સહિત વિસ્તારોમાં એક કલાકમાં અડધાથી એક ઇંચ જેટલો ભારે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं