રાજ્યની ૨૦ વર્ષની વિકાસ યાત્રાથી સમાજના અંતિમ છેવાડાના માનવીને લાભ થયો છે ત્યારે આ ૨૦ વર્ષની વિકાસ યાત્રાની વાત લઈને રાજ્યભરમાં શરૂ થયેલાં 'વિશ્વાસથી વિકાસ યાત્રા' કાર્યક્રમ અંતર્ગત આજે પ્રથમ દિવસે ભાવનગરના મહુવા ખાતે સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળે રૂ. ૨૫ કરોડના કુલ-૨૨૧ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે કર્યું હતું.
મહુવાના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં વિકાસની એક નૂતન વિકાસની તરાહ તરાસી છે.
મહિલાઓ, બાળકો, યુવાનો, ખેડૂતો, શ્રમજીવીઓ માટે અનેક પ્રકારની યોજનાઓ બનાવી તેમના જીવન ધોરણમાં સુધારો આવે અને તેઓ વિકાસની મુખ્યધારામાં આવે તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
૩ કરોડથી વધુ લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. દેશની ૯ કરોડ મહિલાઓ ઉજ્જવલા ગેસથી ચૂલાના ધુમાડામાંથી મુક્ત થઈ છે. તે સાથે મહિલાઓને આત્મસન્માન અને ગૌરવ પણ મળ્યું છે. દેશમાં પાણી, રસ્તા, ગટર, ગાર્ડન સહિતની તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.