રાજ્યના 8 મહાનગરમાં જાહેર સ્થળોએ CCTV લગાવવા ફરજિયાત, 30 દિવસના CCTV ફૂટેજ સાચવવા પડશે,
જાહેર સ્થળો-મોટી સંખ્યામાં લોકોની અવર-જવર વાળા સ્થળો સાથે હવે એક જ સમયે 1 હજારથી વધુ લોકો ભેગા થતા હોય કે દિવસ દરમ્યાન 1 હજાર લોકોની અવર-જવર હોય તેવી સંસ્થાઓએ CCTV કેમેરા લગાવવાના રહેશે. તેમજ 30 દિવસના CCTV ફૂટેજ સાચવવા પડશે. જાહેર સલામતિ સમિતિ દ્વારા ભલામણ કરાયેલા પગલાં 6 મહિનાની અંદર સંબંધિત સંસ્થાઓએ ગોઠવવાના રહેશે. પ્રથમ તબક્કે 8 મહાનગરપાલિકા વિસ્તારમાં અધિનિયમ અમલી કરાશે. જેનો 1 ઓગસ્ટ, 2022થી અમલ કરવામાં આવશે.
નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા એક મહત્વનો નિર્ણય કર્યો છે. ઝડપી ઔદ્યોગિકરણ, શહેરીકરણ તથા ધંધાકીય પ્રવૃત્તિઓના વ્યાપ વિસ્તારથી વિક્સિત ગુજરાતમાં વાણિજ્યિક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમત-ગમત સંકુલો તથા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને વધુ પ્રમાણમાં લોકો એકત્રિત થતા હોય તેવા સ્થળોએ નાગરિકોની સુરક્ષા સામેના જોખમો નિવારવા તથા ગુનાની સંભાવનાઓ અટકાવવાના રક્ષાત્મક ઉપાય રૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રતિનિધિ :-: રવિ બી. મેઘવાલ sms news @social _media_sandesh