કચ્છના સાગર, સ્વચ્છ સાગર' નવતર અભિયાનનો 11/9 રવિવારથી માંડવી નગરપાલિકાના સહયોગથી માંડવી બીચ ખાતે પ્રારંભ થવાનો હતો, પરંતુ બ્રિટનના મહારાણીના નિધનને લઈને ભારત સરકારે તે દિવસે રાષ્ટ્રીય શોક જાહેર કરતાં હવે આ કાર્યક્રમ 15/9 ગુરુવારે યોજાશે. ડીપીએ દ્વારા કચ્છના જુદા જુદા સાગર કાંઠાઓની સફાઈ તેમજ પર્યટકો માટે સુવિધા વિકસાવવા યોજના હાથ ધરાઈ છે. જે અંતર્ગત માંડવી બીચ ખાતે 30 બેન્ચીસ તથા પાંચ ડસ્ટબીનની વ્યવસ્થા કરાઈ છે. 11મીએ તેનું લોકાર્પણ પણ થવાનું હતું જે હવે 15મીએ કરાશે. 15મીએ સાંજે 5વાગે બીચની સફાઈ તથા ત્યારબાદ યોજાનારા કાર્યક્રમમાં કચ્છના સાંસદ, માંડવી વિભાગના ધારાસભ્ય તેમજ ડીપીએ અધ્યક્ષ એસ. કે. મેહતા, ઉપાધ્યક્ષ નંદીશ શુક્લા, માંડવી નગરપાલિકા પ્રમુખ હેતલબેન સોનેજી, શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ દવે, ડીપીએના વિવિધ વિભાગીય વડાઓ વગેરે ઉપસ્થિત રહેશે. કચ્છના સાગર, સ્વચ્છ સાગર અભિયાન હેઠળ સર્વપ્રથમ માંડવી બીચની સફાઈ હાથ ધરાશે. જેમાં ડીપીએ વતી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના 75 જવાનો ઉપરાંત માંડવીની વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો જોડાશે. સ્વયંસેવકોને ટી-શર્ટ તથા ટોપી પણ અપાશે.