પાટડી તાલુકાના પાનવા ગામના લંપટ શિક્ષકે ચાલુ શાળાએ બે વિદ્યાર્થીનીઓની છેડતી કરતા વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં આ પરિણીત લંપટ શિક્ષકે છ વર્ષની માસૂમ બાળાને છાતી પર હાથ ફેરવવાની સાથે બચીઓ ભરી છેડતી કરી હતી. અને બાદમાં શિક્ષક દિને સાડી પહેરીને આવેલી 12 વર્ષની સગીર બાળાની સાડી ખેંચી છેડતી કરી હતી.વિદ્યાર્થી અને શિક્ષકના ગુરૂ-શિષ્ય વચ્ચેના પવિત્ર બંધનને લાંછન લગાવતો કિસ્સો પાટડી તાલુકાની પાનવા પ્રાથમિક શાળામાં સામે આવતા સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પાટડી તાલુકાના પાનવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વરસંગભાઇ ઉર્ફે રાજાભાઇ રથવી કે જેઓ પાટડી તાલુકાના આદરીયાણા ગામે રહી પાનવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.પાટડી તાલુકાના પાનવા ગામે રહેતા એક શ્રમિક છૂટક મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એમની છ વર્ષની દીકરી પાનવા પ્રાથમિક શાળામાં ધો.2માં અભ્યાસ કરે છે. જેમાં શાળાના આ લંપટ શિક્ષક વરસંગભાઇ ઉર્ફે રાજાભાઇ રથવીએ આ માસૂમ બાળાને શાળાના રૂમમાં બોલાવી રૂમનો દરવાજો બંધ કરી માસૂમ બાળાના છાતી પર હાથ ફેરવવાની દાથે એના ગાલ પર બચીઓ ભરતા માસૂમ બાળા રડવા લાગતા શિક્ષક ત્યાંથી જતો રહ્યો હતો. અને જતાં-જતાં તારી મમ્મીને કહેતી નહીં, નહીં તો તને સ્કુલમાં નહીં આવવા દઉ.આ લંપટ શિક્ષકે આટલેથી ના અટકતા પાનવા ગામની અન્ય એક વિદ્યાર્થિનીની શિક્ષક દિને છેડતી કરી હોવાનો ખુલાસો થયો છે. 12 વર્ષની સગીર વયની દીકરીની સાડી ખેંચી છેડતી કરી હતી. અને દીકરી ત્યાંથી નાસી છૂટી હતી. આજથી આઠેક માસ અગાઉ આ લંપટ શિક્ષકે આ 12 વર્ષની માસૂમ બાળાને પુરૂષોની મૂતરડીમાંથી બિભસ્ત ઇશારા કરી બોલાવી હતી. પરંતુ દીકરી ગઇ નહોતી અને દીકરીની બદનામી થવાના ડરે જે તે સમયે ફરીયાદ નોંધાવી નહોતી. આથી આ લંપટ શિક્ષક વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલિસ શિક્ષક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી એને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.