પોરબંદર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્રારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ યોજના અંતર્ગત ગ્રામ્યકક્ષાના લાભાર્થીઓ માટે વ્યક્તિગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટની નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ આણંદ ખાતે બે દિવસીય પ્રેરણા પ્રવાસે મુલાકાત લીધી હતી.  

જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીના વડપણ હેઠળ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાના માર્ગદર્શન હેઠળ એસ.બી.એમ.ની ટીમ દ્રારા લાભાર્થીઓ માટે એન.ડી.ડી.બી. આણંદ ખાતે પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

 એન.ડી.ડી.બી.ખાતે પ્રથમ તબક્કામાં પ્રેઝેન્ટેશન દ્રારા બાયોગેસથી થતા ફાયદા અને પશુ છાણનો વૈજ્ઞાનિક રીતે નિકાલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ લાભાર્થીઓને મુંઝવતા પ્રશ્ર્નોના નિરાકરણ માટે પ્રશ્ર્નોતરી રાખવામાં આવી હતી. ત્યારબાદ મુજકુવા ગામે કાર્યરત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. જ્યાં બાયોગેસ પ્લાન્ટની પ્રક્રિયા અને રૂબરૂ બાયોગેસ પ્લાન્ટ નિહાળી ઉત્તપન થતા ગેસનું જાતે નિરિક્ષણ કર્યું હતું. બાયોગેસ પ્લાન્ટનો ઉપયોગ કરતા મહિલાએ મુલાકાતે આવેલા લાભાર્થીઓને સમજણ આપતા જણાવ્યું હતું કે, આ બાયોગેસ પ્લાન્ટ સંપુર્ણ સુરક્ષિત અને સલામત હોવાથી સાથે ઘર વપરાશ માટે ખુબ જ ઉપયોગી છે. દર મહિને બે બોટલ જેટલો ગેસ ઉત્તપન થાય છે.

બોરસદ ગામે કાર્યરત સુધન સ્લરી મેનેજમેન્ટ પ્લાન્ટની પણ મુલાકાત લેવામાં આવી હતી. ત્યાં બાયોગેસ પ્લાન્ટ માંથી ઉત્તપન થતી સ્લરી માંથી મશીનરી દ્રારા બનતા ખાતરની પ્રક્રિયા નિહાળી હતી. આ પ્લાન્ટ દ્રારા બાયોગેસ પ્લાન્ટ ધરાવતા કુટુંબો પાસેથી સ્લરી વેચાણથી લઈ તેમાંથી પ્રવાહી અને ધન સ્વરૂપે ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે.

        પ્રેરણા પ્રવાસે આવેલા બાયોગસ પ્લાન્ટના લાભાર્થીઓએ તેમનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, એસ.બી.એમ.ની ટીમ દ્રારા આણંદ ખાતે યોજવામાં પ્રેરણા પ્રવાસ માંથી ઘણુ શીખવા મળ્યું છે. અમારા ઘરે બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ થયા બાદ તેનો વધુમાં વધુ સારી રીતે ઉપયોગ કરવામાં આવશે. તેમજ અન્ય લોકોને પણ આ યોજનાનો લાભ લેવા માટે પ્રેરિત કરવામાં આવશે.