જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે વિજ વપરાશ કરીને વિજચોરી કરવાનું દૂષણ વધી ગયું છે, તેની સામે પ.ગુ.વિજ કંપનીની ટીમો દ્વારા અવાર-નવાર ચેકીંગ હાથ ધરીને વિજચોરી ઝડપી પાડવામાં આવે છે. તા.૧ જુલાઈથી ૩૧ ઓગષ્ટ દરમિયાન ઝાલાવાડમાંથી ૧૪૩૧ જેટલા કેસોમાં વિજચોરી ઝડપાઈ હોવાનું જાણવા મળેલ છે.આ અંગેની વધુ વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં પ.ગુ. વિજ કંપનીની વિજીલન્સ શાખા તથા વિવિધ ટીમો દ્વારા અવાર-નવાર ચેકીંગ હાથ ધરવામાં આવે છે. વિજતંત્રનાં સતાવાર આંકડા મુજબ તા.૦૧-૦૭-૨૦૨૨ થી ૩૧-૦૮-૨૦૨૨ દરમયાન વિજચેકીંગ ટુકડીઓએ કરેલા ચેકીંગ દરમયાન ૧૪૩૧ કનેકશનોમાં વિજચોરી ઝડપાતા ૭૧૦.૨૩ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સૌથી વધુ વિજચોરીનાં કેસ ધ્રાંગધ્રા તાલુકામાંથી ૩૬૮ અને સૌથી ઓછા મુળી તાલુકામાંથી ૩૫ કેસમાં વિજચોરી ઝડપાઈ હતી. ચોટીલા તાલુકામાં બે મહીના દરમયાન ૮૨૬ વિજજોડાણ તપાસવામાં આવતા ૯૧ કનેકશનમાં વિજચોરી ઝડપાતા ૩૮૪.૫૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ચુડા તાલુકામાં ૫૬૪ જોડાણ તપાસવામાં આવતા ૯૯ કનેકશનમાં વિજચોરી ઝડપાતા ૨૩.૭૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દસાડા તાલુકામાં ૬૮૦ વિજ કનેકશન તપાસવામાં આવતા ૧૨૭ કેસમાં વિજચોરી ઝડપાતા ૨૪.૮૮ લાખનો દંડ ફટકારવમાં આવ્યો હતો. ધ્રાંગધ્રા તાલુકામાં ૨૬૬૬ વિજ કનેકશનો તપાસવામાં આવતા. ૩૬૮ જોડાણમાં વિજચોરી ઝડપાતા ૭૨.૬૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. લખતર તાલુકામાં ૩૧૨ વિજજોડાણ તપાસવામાં આવતા ૫૦ જોડાણમાં ગેરરીતી ઝડપાતા ૧૪.૨૯ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. લીંબડી તાલુકામાં ૧૨૭૪ વિજજોડાણ તપાસવામાં આવતા ૨૪૬ કેસમાં ગેરરીતી ઝડપાતા ૬૮.૩૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મુળી તાલુકામાં ૨૪૮ વિજજોડાણ તપાસવામાં આવતા ૩૫ જોડાણમાં વિજચોરી ઝડપાતા ૭.૦૫ લખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાયલા તાલુકામાં ૫૨૪ વિજજોડાણ તપાસવામાં આવતાં ૯૮ જોડાણમાં ગેરરીતી ઝડપાતા ૨૭.૦૩ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. થાનગઢ તાલુકામાં ૯૧૮ વિજજોડાણ તપાસવામાં આવતા ૧૧૭ જોડાણમાં ગેરરીતી જણાતા ૩૩.૭૭ લાખનો દંડ ફટકારવામાં આવયો હતો. જ્યારે વઢવાણ તાલુકામાં ૧૬૧૨ વિજજોડાણ તપાસવામાં આવતા ૨૦૦ જોડાણમાં ગેરરીતી જણાતા ૫૩.૯૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કુલ મળીને છેલ્લા બે મહિનામાં જીલ્લામાં તપાસવામાં આવેલ ૯૬૨૪ વિજજોડાણમાંથી ૧૪૩૧ જોડાણમાં ગેરરીતી જણાતા તંત્રએ ૭૧૦.૨૩ લાખનો દંડ ફટકાર્યો હતો. જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વિજલાઈન ઉપર લંગરીયા નાંખીને ડાયરેક્ટ વિજપાવર વાપરી વિજચોરી કરવામાં આવતી હોય છે. રહેણાંક તથા ઔદ્યોગિક એકમોમાં ગેરકાયદે વિજ જોડાણ, વિજલાઈન સાથે અને મીટર સાથે ચેડા કરીને વ્યાપક પ્રમાણમાં વિજચોરી થતી હોવાનું જાણવા મળેલ છે.