અમદાવાદ 

શહેરોની એક યુવતીના લગ્ન થતા જ તે રાત્રે પગ નીચેથી જમીન ખસી જાય એવી વાત તેના પતિએ કહી નાખી હતી.લગ્નની રાત્રે જ યુવક યુવતી રૂમમાં હતા ત્યારે મને પસંદ નથી માતા પિતા ના કહેવાથી લગ્ન કર્યા હોવાનું કહેતા જ યુવતીને આઘાત લાગ્યો હતો.  જે બાદ પંદર જ દિવસમાં યુવતીનો પતિ પણ દુબઇ જતો રહ્યો હતો. સમગ્ર બાબતોથી કંટાળીને યુવતીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના કારંજ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી તેના માતા પિતા સાથે છેલ્લા બે વર્ષથી રહે છે. આ યુવતી ના લગ્ન વર્ષ 2019 માં જુહાપુરા ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ આ યુવતી સાસરે પતિ, સાસુ સસરા અને નણંદ સાથે સંયુક્ત પરિવારમાં રહેવા ગઈ હતી. લગ્નના દિવસે જ રાત્રે તેના પતિએ તેને કહ્યું કે, હું તને પસંદ કરતો નથી પણ મારા માતા-પિતાના કહેવાથી મેં તારી સાથે લગ્ન કર્યા છે. આ સાંભળતા જ યુવતીના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જેથી યુવતીએ તેના પતિને તમે મને પસંદ કરતા નથી તો કેમ મારી સાથે લગ્ન કરીને મારું જીવન બગાડ્યું છે? તેમ કહેતા યુવતીનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરી બીભત્સ શબ્દો બોલી માર મારવા લાગ્યો હતો. પરંતુ યુવતીનો સંસાર બગડે નહીં તે માટે તેણે આ બાબતની કોઈને જાણ કરી નહોતી. લગ્નના બીજા દિવસથી જ યુવતીનો પતિ સાસુ સસરા નણંદ ઘરકામ બાબતે બોલાચાલી ઝઘડો કરી તેને પરેશાન કરવા લાગ્યા હતા. લગ્નના 15 દિવસ બાદ યુવતીનો પતિ નોકરી ધંધા માટે દુબઈ ખાતે જતો રહ્યો હતો. બાદમાં યુવતી પિયરમાં જવાનું કહેતી તો તેના સાસરિયાઓ તને કામ કરવા માટે લાવ્યા છીએ પિયરમાં જવાનું નથી તેમ કહી તેને ત્રાસ આપવા લાગ્યા હતા. યુવતીની નણંદ પણ તું કરિયાવરમાં કઈ લાવી નથી પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લઈ આવજે તેમ કહી તેને ત્રાસ આપવા લાગ્યા હતા.બે વર્ષ પહેલા યુવતીએ તેના સાસુ સસરાને કહ્યું કે, તેને તેના પતિ સાથે રહેવું છે તેને તમે અહીં બોલાવો તેમ કહેતા યુવતીની સાસુએ તેને કહ્યું કે, મારા દીકરાએ દુબઈમાં લગ્ન કરી લીધા છે અને મારો દીકરો તને પસંદ કરતો નથી, અમે પણ તને રાખવા માગતા નથી તેમ કહી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી યુવતીએ આ મામલે તેની સાસુ સસરા નણંદ અને પતિ સામે ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.