સ્વચ્છતા માટે તંત્રની ખાસ તકેદારીઃ રસ્તામાં કેળાની છાલ કોઇ ન ફેંકે તે માટે ખાસ વ્યવસ્થા 

અંબાજીના રસ્તાઓ સાફ-સુથરા રાખવા કલેક્ટરશ્રીના માર્ગદર્શનથી સેવાભાવી લોકો દ્વારા અપાતી ચીજ વસ્તુઓના કલેક્શન અને વિતરણની વ્યવસ્થાની ઉત્તમ કામગીરી

            અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો હવે જામી રહ્યો છે. શક્તિપીઠ અંબાજીના દર્શનાર્થે દૂર દૂરથી ચાલતા આવતા માઇભક્તો માટે વહીવટી તંત્ર દ્વારા ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અંબાજીના રસ્તાઓ ઉપર ઘણાં સેવાભાવી લોકો કેળા, સફરજન વગેરે જેવા ફળો અને ખાદ્ય ચીજવસ્તુઓનું વિતરણ કરતા હોય છે. આ ફળો અને ખાદ્ય ચીજવસ્તુઓ આરોગ્યા પછી તેની છાલ કોઇ પદયાત્રિક રસ્તા પર ન ફેંકે અને સ્વચ્છતા જળવાય તે માટે બનાસકાંઠા કલેકટર કમ શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ આ વર્ષે મેળામાં પ્રથમ વખત કલેક્શન સેન્ટર ઉભુ કરાયું છે.         

         આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એચ. જે. જિન્દાલ અને તેમની ટીમ દ્વારા સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા ફળ ફળાદી અને અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓનું કલેક્શન કરી તેનું સેવાકેમ્પોમાં વિતરણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ કલેક્શન સેન્ટર મારફતે ૭,૮૯૨ કિ.લો. કેળા અને ૪૪૦ કિ.લો. સફરજનનું વિવિધ સેવા કેમ્પોમાં વિતરણ કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે સ્વચ્છતા જળવાય તે માટે સેવા કેમ્પોની બહાર કચરા પેટી મૂકી વેસ્ટ કચરો પણ એકત્ર કરવામા આવી રહ્યો છે જેનાથી રસ્તાઓ ઉપર ખુબ સારી સ્વચ્છતા નજરે પડે છે.