ભગવાન ગણેશજી ઉત્સવનો કાલે શુક્રવાર, 9 સપ્ટેમ્બરના રોજ છેલ્લો દિવસ છે, આવતીકાલે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિ જેને અનંત ચૌદશ કહેવામાં આવે છે. આ તિથિએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. 

જો તમે માટીની ગણેશમૂર્તિની સ્થાપના કરી હોયતો શ્રીજીનું વિસર્જન ઘરમાં જ કરવું જોઈએ. 

કોઈ નદી કે તળાવમાં પ્રતિમાનું વિસર્જન કરવું નહીં. આવું કરવાથી નદી-તળાવમાં ગંદકી વધે છે અને ગણેશજીની પ્રતિમા ગંદકીમાં વિસર્જિત થવાથી દોષ લાગે છે અને પાપમાં પડાય છે.

અગ્નિપુરાણ મુજબ, હિન્દુ કેલેન્ડરના ભાદરવા મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિએ અનંત ચૌદશ પર્વ ઊજવવામાં આવે છે, જે આ વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે શહેરના મોટા ભાગના પંડાલોએ સ્થળ પર જ વિસર્જનનું આયોજન કર્યું છે. આ દિવસે ગણેશવિસર્જન સાથે દસ દિવસના ગણેશોત્સવનું સમાપન થાય છે. 

એવું માનવામાં આવે છે કે મહાભારતમાં આ વ્રતની શરૂઆત થઇ હતી. જ્યારે પાંડવો પાસેથી તેમનું રાજ્ય છીનવી લેવામાં આવ્યું હતું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને આ વ્રત કરવાની સલાહ આપી હતી. અનંત ચૌદશના દિવસે ગણેશજીની પૂજા કર્યા પછી ઘરમાં જ કોઈ મોટા વાસણમાં કે કુંડામાં ગણેશની પ્રતિમાનું વિસર્જન કરવું જોઇએ. ત્યાર બાદ બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપવી જોઇએ. અનંત ચૌદશનું વ્રત ધન, સંતાનની કામના સાથે કરવામાં આવે છે.

વિસર્જનનું મહત્ત્વઃ ગણેશ જળતત્ત્વના અધિપતિ દેવતા છે

 ભગવાન ગણેશજી જળતત્ત્વના અધિપતિ દેવતા છે, એટલે તેમની પ્રતિમાનું વિસર્જન જળમાં કરવામાં આવે છે. જળ પંચ તત્ત્વોમાંથી એક છે. એમાં મિશ્રિત થઇને પ્રાણપ્રતિષ્ઠિત ગણેશમૂર્તિ પંચ તત્ત્વોમાં સમાહિત થઇને પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. જળમાં વિસર્જન થવાથી ભગવાન ગણેશનું સાકાર સ્વરૂપ નિરાકાર થઇ જાય છે. જળમાં મૂર્તિવિસર્જનથી એવું માનવામાં આવે છે કે જળમાં મિક્સ થઇને પરમાત્મા પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. આ પરમાત્માનું એકાકાર થવાનું પ્રતીક પણ છે.

આમ ભગવાન ગણેશજી ની સ્થાપના કર્યા બાદ વિસર્જન અંગે આ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ.