ગુજરાતમાં હજુ થોડાક દિવસ સુધી સામાન્યથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ત્યારે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ ખાબકશે.
ગુજરાતમાં હજુ સામાન્યથી ભારે વરસાદની આગાહી
આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ખાબકશે
8થી 10 સપ્ટેમ્બર દ. ગુજરાતમાં ભારે વરસાદની વકી
આજે રાજ્યમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે.
છેલ્લા 24 કલાકમાં 15 તાલુકામાં વરસાદ વરસ્યો
નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 15 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જલાલપોરમાં 4 ઈંચ વરસાદ, વલસાડમાં 2 ઈંચ, નવસારીમાં 1 ઈંચ, વાપીમાં 1 ઈંચ, ખેરગામમાં 1 ઈંચ વરસાદ અને પારડી તેમજ ઉમરગામમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે.
8થી 10 સપ્ટેમ્બર દ. ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની વકી
બીજી બાજુ બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર તારીખ 8મી સપ્ટેમ્બરના રોજ મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી તો 9મીએ વલસાડ, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ જ્યારે 10મીએ તાપી, નવસારી, ડાંગ અને નર્મદામાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
11-12 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં ફરીવાર વરસાદની શક્યતા: અંબાલાલ
વધુમાં તમને જણાવી દઇએ કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં બીજું વહન શરૂ થવાની તૈયારી છે. ત્યારે તારીખ 6થી 8 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જ્યારે 11 અને 12 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં ફરીવાર વરસાદ થવાની શક્યતા રહેલી છે. નવરાત્રિના સમયમાં રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ પડશે. તો તારીખ 10 ઓક્ટોબરની આસપાસ પણ રાજ્યમાં વરસાદ વરસી શકે છે. એ સિવાય સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. તો ઓક્ટોબર અને નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.