ભારત દેશમાં મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના નિવેદનથી વધુ એક વિવાદ ઊભો થયો છે. એક કાર્યક્રમમાં સંબોધન કરતાં રાજ્યપાલે એવું કહી દીધું હતું કે જો મુંબઈ-થાણેથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને કાઢી મૂકીશું તો તમારો અહીં કોઈ રૂપિયો નહીં બચે. આ જે આર્થિક પાટનગર છે એ પછી આર્થિક પાટનગર કહેવાશે જ નહીં.

હવે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. શિવસેનાએ રાજ્યપાલના નિવેદનને મહારાષ્ટ્રનું અપમાન ગણાવ્યું છે. મુંબઈના અંધેરી-પશ્ચિમમાં એક સ્થાનિક ચોકનું નામ સ્વર્ગસ્થ શ્રીમતી શાંતિદેવી ચંપાલાલજી કોઠારીના નામે રાખવામાં આવ્યું છે. શુક્રવારે આ જ કાર્યક્રમમાં રાજ્યના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા. આ દરમિયાન સંબોધન કરતાં રાજ્યપાલે કહ્યું હતું કે ક્યારેક હું અહીંના લોકોને કહું છું કે મહારાષ્ટ્રમાં અને એમાં પણ ખાસ કરીને મુંબઈ-થાણેથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને બહાર કાઢી દઈએ તો તમારે અહીં પૈસો વધશે જ નહીં. આ મુંબઈ આર્થિક પાટનગર કહેવાય છે, એ પછી આર્થિક પાટનગર નહીં કહી શકાય.

રાજ્યપાલના આ નિવેદનનો હવે શિવસેનાના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સેનાના પ્રવક્તા સંજય રાઉતે ટ્વિટર પર લખ્યું છે કે મહારાષ્ટ્રમાં ભાજપ પ્રાયોજિત મુખ્યમંત્રી આવવાથી મરાઠી લોકોનું અપમાન કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં સ્થાનિક મરાઠી અને છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન થવાનું શરૂ થઈ ગયું છે. સ્વાભિમાન અને અભિમાનના નામે બનેલી શિવસેનામાંથી નીકળનારા લોકો આ સાંભળીને પણ ચૂપ છે તો હવે સીએમ શિંદે કદી શિવસેનાનું નામ ના લે. રાજ્યપાલનો વિરોધ તો કરવો જોઈએ. આ મરાઠી મહેનતુ લોકોનું અપમાન છે. આ જ મહારાષ્ટ્રએ હિન્દુત્વની લડાઈ લડી હતી. ના માત્ર શિવસેના, પરંતુ દરેક વ્યક્તિ રાજ્યપાલના નિવેદનની નિંદા કરે છે.

રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્રના રાજ્યપાલનું નિવેદન આઘાતજનક અને નંદનીય છે. રાજ્યના લોકોએ તેમની મહેનતથી મહારાષ્ટ્ર બનાવવા માટે લોહી-પાણી એક કર્યું છે. 105 લોકોએ બલિદાન આપ્યું અને ઘણા લોકો જેલ ગયા છે. રાજ્યપાલ મહારાષ્ટ્રનો ઈતિહાસ નથી જાણતા. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ નિવેદન વખોડવું જોઈએ અને કેન્દ્રને રાજ્યપાલ હટાવવાની માગણી કરવી જોઈએ. આ સાવિત્રીબાઈ ફૂલે અને શિવાજીનું અપમાન છે. આ નિવેદનથી આખા મહારાષ્ટ્રને ગુસ્સો આવ્યો છે.