ભાજપ સરકારના સાશનમાં મોંઘવારી, બેરોજગારી, સામાજિક તણાવ સહિતની સમસ્યાઓનો ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આગામી તા.7મીથી "ભારત જોડો યાત્રા” આયોજન કરવામાં આવ્યું છે. 3500 કિ.મી.ની આ પદયાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી યોજાશે. "ભારત જોડો યાત્રા” અંગે પત્રકારોને માહિતી આપતા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ પાર્ટીનાં પ્રવકતા દેવઆશિષે જણાવ્યું હતું કે, ભાજપના સાશનમાં છેલ્લા 8 વર્ષમાં મોંઘવારી, બેરોજગારી સાથે સામાજિક તણાવ, આર્થિક, અસમાનતા સાથે વિપક્ષનાં અવાજને દબાવવામાં આવી રહ્યો છે. દરરોજ દેશવાસીઓને અંદરો-અંદર લડાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. મહિલાઓની સુરક્ષાના પ્રશ્નો સહિતના અનેકવિધ મુદ્દાઓ બાબતે જનતાને જાગૃત કરવા તા.7 સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી કાશ્મીર સુધી 3500 કિ.મી.ની "ભારત જોડો યાત્રા” યોજાશે. આ યાત્રા 12 રાજયો અને 2 કેન્દ્ર શાસીત પ્રદેશોમાંથી પસાર થશે. યાત્રા આશરે 150 દિવસમાં પુરી થશે. તા.7મીએ તામિલનાડુના શ્રી પેરૂંબુદુર ખાતે રાજીવ ગાંધી સ્મારકમાં શ્રધ્ધાંજલી સાથે રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધશે.તા.8મીએ સવારે કન્યાકુમારીથી રાષ્ટ્ર ધ્વજ સાથે ભારત જોડો યાત્રાનો શુભારંભ થશે. પ્રવકતા દેવઆશીષે વધુમાં જણાવ્યું હતું કે, યાત્રામાં કોંગ્રેસના 100 પ્રદેશ નેતાઓ અને દેશભરનાં 118 યાત્રીકો કન્યાકુમારીથી કાશ્મીર જોડાશેે યાત્રા દરમિયાન બેરોજગારી, મોંઘવારી, સામે જનજાગૃતિ, વૃક્ષારોપણ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.જે રાજયોમાં યાત્રા પસાર નહી થાય તે રાજયમાં યાત્રાનો સંદેશો ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવશે.