હાલ રાજ્યમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ દારૂબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે તેમછતાં દારૂ પીવાઈ રહ્યો હોવાના કિસ્સા બની રહયા છે અને રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂ છૂટથી મળે છે અને હોટલમાં પણ દારૂ પીવાતો હોવાનું સામે આવી રહ્યું છે તેવે સમયે
સુરતની એક હોટલમાં ભાજપના હોદ્દેદારો મહેફિલ માણતા હોવાના ફોટા અને વીડિયો સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહયા છે અને લોકો જાતજાતની કોમેન્ટ કરી રહયા છે. વોર્ડ નંબર ૧૬ પુણા(પશ્ચિમ)ના વોર્ડ પ્રમુખ જયસુખભાઈ ઠુમ્મર સહિત
સુરત ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી શાંતિલાલ સુતરીયા નજરે પડી રહયા છે.
જોકે,ભાજપની છાપ એક શિસ્તબદ્ધ પક્ષ તરીકેની હોવાછતાં આવા દ્રશ્યો જનતામાં ભારે ચર્ચાસ્પદ બન્યા છે, રાજ્યમાં ભાજપની સરકાર છે અને દારૂબંધીના અમલની વાતો કરે છે.ત્યારે ભાજપના નેતાઓ જ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો છેદ ઉડાવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
ગૃહમંત્રીના હોમ ટાઉન સુરતમાંજ દારૂ છૂટથી મળતો હોવાના દ્રશ્યો વચ્ચે કથિત રીતે દારૂની મહેફિલ માણતા ભાજપના હોદ્દેદારો સામે પક્ષ કેવા પ્રકારના પગલા ભરે છે તે તો સમયજ કહેશે.
વાયરલ વિડીયોમાં‘ અભી ઝિંદા હું તો જી લેને દે,ભરી બરસાત મેં જી લેને દે’ ફિલ્મનું ગીત બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું હતું અને ભાજપના નેતાઓ શરાબની ચૂસકીઓ માણતાં નજરે પડતા હતા.