ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે આનંદ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં અંબાજી ભાદરવી મહામેળાનો વિધિવત પ્રારંભ..

બે વર્ષ બાદ યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મેળામાં ૩૦ લાખ જેટલાં પદયાત્રિકો માટે વ્યાપક સુવિધાઓ કરાઇ..

અંબાજી આવતા માઇભક્તોને આવકારવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ થનગની રહ્યું છેઃ કલેકટરશ્રી આનંદ પટેલ..

રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા

 ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કમ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની ઉપસ્થિતિમાં અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મહામેળાનો અંબાજી ખાતે દાંતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક આદિવાસી દિકરીઓના હસ્તે માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા- અર્ચના કરીને કલેક્ટરશ્રી સહિત મહાનુભાવોએ રથને થોડેક સુધી દોરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે ઉપસ્થિત પદયાત્રિકોએ માતાજીના ગગનચૂંબી જયઘોષ કર્યા હતા..

 ત્યારબાદ પ્રદર્શન ડોમમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, માહિતી ખાતું અને આરોગ્ય વિભાગ, કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બનાવાયેલ અદ્યતન પ્રદર્શનનું કલેકટરશ્રીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ અને કલેકટરશ્રીએ આ પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યુ હતુ.   

          આ પ્રસંગે પ્રદર્શન ડોમમાં બનાવેલ મંદિરમાં કલેક્ટરશ્રી આનંદ પટેલે માતાજીની પૂજા- અર્ચના કરી મેળાની સંપૂર્ણ સફળતા માટે અને લાખો માઇભક્તોની અંબાજીની યાત્રા સુખરૂપ સંપન્ન થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી.

           આ પ્રસંગે મિડીયાને માહિતી આપતાં કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે, દૂર દૂરથી પદયાત્રા કરીને અંબાજી આવતા માતાજીના ભક્તોને આવકારવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ થનગની રહ્યું છે. તેમણે કહ્યું કે, બે વર્ષના લાંબા વિરામ બાદ ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે..

ત્યારે ૩૦ લાખ કરતા વધુ સંખ્યામાં દર્શનાર્થીઓ આવવાની ધારણાને લઇને તંત્ર દ્વારા વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, મેળા દરમિયાન યાત્રિકોની આરોગ્ય સુવિધા માટે કુલ-38 જેટલાં આરોગ્ય સુવિધા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. અંબાજી આવતા તમામ યાત્રિકો દર્શનાર્થીઓ સરળતાથી મા અંબાનો પ્રસાદ મેળવી શકે એ માટે સાડા ત્રણ લાખ કિ.ગ્રા. પ્રસાદના 42 લાખ પેકેટ તૈયાર કરાયા છે. મેળામાં આવતા લાખો યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી રહે એ માટે 3 જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત દિવાળી બા ભવન, ગબ્બર તળેટી અને અંબિકા ભોજનલયમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી, ગબ્બર અને રસ્તાઓ ઉપર વિસામો, આરોગ્ય, વીજળી, પીવાનું પાણી, સુરક્ષા, પરિવહન અને પાર્કિંગ સહિત તમામ વ્યવસ્થાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવાઇ હોવાનું કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતું.

         કલેકટરશ્રીએ જણાવ્યું કે, શક્તિપીઠ અંબાજીમાં આજથી મેળાનો પ્રારંભ થયો છે. દિકરીઓમાં પણ મા નું હ્રદય હોય છે. આદિજાતિ બાહુલ્ય ધરાવતા અને વર્ષોથી માતાજીની પૂજા-અર્ચના કરતા આદિવાસી દિકરીઓના હસ્તે આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળાનો આનંદ, ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં ભવ્ય શુભારંભ થયો છે. 

         અંબાજી ભાદરવી મેળો શરૂ થતા અંબાજી તરફના તમામ રસ્તાઓ રાત- દિવસ યાત્રિકોથી ભરચક રહેશે. અંબાજી વિસ્તારના ડુંગરાઓમાં જાણે નવી ચેતનાનો સંચાર થયો છે. દિવસે થોડી ગરમી, રાત્રે ઠંડક અને હરિયાળા વાતાવરણમાં માઇભક્તો જય અંબે...ના જયઘોષ સાથે અંબાજી પંહોચી રહ્યા છે. રસ્તાઓ ઉપર વિવિધ સેવાકેન્દ્રોની સુવિધા અને સ્વંયસેવકો, સંચાલકોની કામગીરી સરાહનીય છે..

          મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષા અંગે માહિતી આપતા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, 500 થી વધુ પોઇન્ટ પર 5 હજાર પોલીસકર્મીઓ ખડેપગે ફરજ નિભાવી રહ્યા છે. 325 સી.સી.ટી.વી. કેમેરા, 10 પી.ટી.ઝેડ કેમેરા, 48 બોડી વોર્ન કેમેરા, 35 ખાનગી કેમેરામેન, 13 વોચ ટાવર અને પદયાત્રિઓ માટે 48 પોલીસ સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. 22 પાર્કિંગ પ્લોટ પર પોલીસની નજર હેઠળ તમામ વસ્તુઓને લગેજ સ્કેનર દ્વારા ચેક કરીને જ પ્રવેશ મળે એ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા માટે મહિલા સી ટીમ તૈનાત કરાઇ છે..

ભાદરવી મહામેળાના પ્રારંભ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી નંદાજી ઠાકોર, ર્ડા. હેમરાજ રાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી આર. કે. પટેલ, દાંતા પ્રાંત અધિકારી સિદ્ધિબેન શર્મા સહિત અધિકારીશ્રીઓ અને હજારો માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા..

માતાજીના શૃંગાર સ્વરૂપો અને વાહનો..

          અંબાજી માતાજીની દિવસમાં ત્રણ વખત પૂજા થાય છે. ત્રણેય વખતે જુદા જુદા વસ્ત્રો અને અલંકારો ધરાવવામાં આવે છે. આ શૃંગાર દ્વારા આદ્યશક્તિ મા અંબાનું પ્રભાતે બાલ્ય સ્વરૂપ, મધ્યાહને યુવા સ્વરૂપ તથા સાંજે પ્રૌઢ સ્વરૂપ વ્યક્ત થાય છે. તેવી જ રીતે માતાજીના વાહનો પણ દિવસ પ્રમાણે અલગ અલગ હોય છે. 

રવિવારે-વાઘ

સોમવારે-નંદી

મંગળવારે-સિંહ

બુધવારે-ઉંચી સુંઢનો હાથી(ઐરાવત)

ગુરૂવારે-ગરૂડ

શુક્રવારે-હંસ

શનિવારે-નીચી સૂંઢનો હાથી(ઐરાવત)             

         અખાત્રીજથી અષાઢ સુદ બીજ દરમ્યાન દરરોજ સવારે, બપોરે અને સાંજે એમ ત્રણ વખત તથા બાકીના સમયમાં સવારે તથા સાંજે એમ બે વખત માતાજીની આરતી થાય છે.