ભાભર ખાતે 7મી સપ્ટેમ્બરે ગૌમાતા અધિકાર સંમેલન યોજાશે. ગુજરાતની 1700 જેટલી ગૌશાળાના અને પાંજરાપોળના સંચાલકો અને સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહશે.

સરકારે ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી, પંરતુ સહાયની જગ્યાએ વાયદાઓ કરતાં સરકાર સામે લડતની રણનીતિ ઘડવા બેઠક બોલાવવામાં આવશે. છેલ્લા 3 વર્ષથી ગૌશાળા અને પાંજરાપોળમાં દાન ઓછું થતાં ગુજરાતના 4.5 લાખ ગૌવંશનો નિભાવ કરવો મુશ્કેલ બનતા ગૌશાળાની હાલત કફોડી બની છે. ભાભર ખાતે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો મહાબેઠક કરી સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરશે.

તો બીજી તરફ માલધારી સમાજના વિવિધ પ્રશ્નોને લઈને માલધારી સમાજના લોકો આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી એકઠા થઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. માલધારી મહાપંચાયત નેજા હેઠળ માલધારી સમાજના આગેવાનો દ્વારા દેખાવો કરવામા આવ્યા.જેમાં તેમણે સરકાર દ્વારા સ્થગિત કરાયેલ ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માગણી સાથે વિરોધ નોંધાવ્યો. સરકાર સામે આક્ષેપ કરતા કહ્યું કે અમારી ગાયોને ઘરના ખીલેથી છોડી જવાય છે. અમારી ગાયોને 500 રુપીયા દંડ લઈને છોડાવવી પડે છે. નાના બચ્ચા વાછરડા ઘરે છે અને ગાયો લઇ ગયા છે. આ મુદ્દા સરકાર નહી સ્વીકારે તો સચિવાલય ઘેરાવ કરશુ તેવી ચીમકી પણ ઉચારી હતી.