ખેડા જિલ્લામાં પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝના બચાવ અને નિયંત્રણની કામગીરીના ભાગરૂપે ખેડા જિલ્લાના કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની કમિટીની બેઠક યોજવામાં આવી. જેમાં કમિટીના જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. કલેકટરએ સરકારની પ્રવર્તમાન ગાઈડલાઈન મુજબ પશુઓમાં જોવા મળતા લમ્પી સ્કીન ડીસીઝના બચાવ તથા નિયંત્રણ અર્થેની કામગીરી કરવા માટે જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી સુચના આપી.

         લમ્પી વાઈરસએ પશુઓમાં જોવા મળતો ચામડી રોગ છે. જે માખી-મચ્છર, જુ, ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દુષિત ખોરાક અને પાણીથી ફેલાય છે. આ રોગના લીધે ચામડી ઉપર આખા શરીર ઉપર ગાંઠો જેવા નરમ ફોલ્લા થવા, તાવ આવવો, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, પશુનુ ખોરાક ખાતું બંધ થવું, મોઢામાંથી લાળ પડવી, દૂધ ઉત્પાદન ઘટવું વગેરે લક્ષણો જોવા મળે છે. પરંતુ પશુઓનું મરણ પ્રમાણ નહીવત હોય છે. હાલ ખેડા જિલ્લા પશુપાલન વિભાગની કુલ ૪૦ ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. 

         

પશુઓમાં રોગના કોઈ પણ લક્ષણ દેખાયેથી નજીકના સરકારી પશુદવાખાના અથવા અમુલ ડેરી પશુ સારવાર કેન્દ્ર અથવા એનિમલ હેલ્પલાઇન ટોલફ્રી નંબર ૧૯૬૨ નો સંપર્ક કરવા અનુરોધ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.