છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર તાલુકાનાં સાઢલી ખાતે ગમાન ફળીયાને જોડતું નાળુ વર્ષોથી તૂટેલી હાલતમા હોવાને કારણે ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, અને ગ્રામજનો સહિત શાળાએ જતાં બાળકોને જીવના જોખમે કોતરના પાણીમાથી પસાર થવાની ફરજ પડી રહી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

છોટા ઉદેપુર જીલ્લાના પાવી જેતપુર તાલુકાનાં અંતરીયાળ વિસ્તારના સાઢલી ગામમાં લગભગ ૨૫૦૦ જેટલી વસ્તી આવેલી છે, ગામની વચ્ચેથી કોતર પસાર થતું હોવાથી ગામ બે ભાગમાં વહેચાયેલું છે, પરંતુ આ કોતર ગામના લોકો માટે આશીર્વાદના બદલે અભિશાપરૂપ સાબીત થઈ રહ્યું છે. વર્ષો પહેલા આ કોતર ઉપર કોજ વે બનાવવામાં આવ્યો હતો જે ગ્રામજનોના જણાવ્યાનુસાર બનાવ્યાના લગભગ બે ત્રણ વર્ષમાં જ તૂટી ગયો હતો, અને ત્યારથી જ સાઢલી ગામના ગમાણ ફળીયાના લોકોની મુશ્કેલીની શરૂઆત થઈ છે, જેને આખી એક પેઢી વીતી ગયા બાદ પણ ભોગવી રહ્યા છે. 

સાઢલી ગામના ગમાણ ફળીયાને જોડતો કોજ વે તૂટી જતાં ગ્રામજનો શિયાળા ઉનાળામાં માટીનું પુરાણ કરીને કોતર ઉપર રસ્તો બનાવી દેતા તકલીફ ઓછી પડે છે, પરંતુ ચોમાસામાં કોતરના ધસમસતા પાણીમાં માટીનું ધોવાણ થઈ જતાં રસ્તો સદંતર બંધ થઈ જાય છે, અને ગમાણ ફળીયાના લોકો ગામ અને દુનીયાથી વિખૂટા પડી જાય છે. હાલમાં ચોમાસામાં પડેલા વરસાદમાં માટીનું પુરાણ ધોવાણ થઈ જતાં આ વિસ્તારના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, સ્થાનિક લોકોને મીઠું લેવા માટે પણ કોતરના પાણીમાં ઉતરીને જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, અને લોકો મજબૂરીએ કોતરના પાણીમાં ઉતરીને સામે પાર જઈને પોતાની જરૂરીયાતનો સામાન લાવી રહ્યા છે. આ કોતરના પાણીમાંથી પસાર થતી વખતે લોકોને ડર પણ ખૂબ લાગતો હોવાનું જણાવી રહ્યા છે. 

ત્યારે ગામના કેટલાક વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ પ્રત્યે પણ સભાન છે, એટલે શાળાએ જતાં બાળકોને પણ મજબૂરીએ કોતરના ધસમસતા પાણીમાથી દીવસમાં બે વખત પસાર કરાવી રહ્યા છે, અને બાળકો મનમાં ડર રાખીને કોતરમાથી શિક્ષણ મેળવવા માટે જીવ જોખમમાં મૂકીને પાણીમાથી પસાર થવા મજબૂર બની ગયા છે.

આટલું ઓછું હોય તેમ ગમાણ ફળિયું દેશ દુનિયાથી વિખૂટું પડી જતાં જાણે આભ તૂટી પડ્યું હોય તેટલી મુસીબતો માથે આવી પડે છે, કેટલીકવાર કોઈ બીમાર પડે અથવા બહેન દીકરીને પ્રસૂતીની પીડા ઉપડે ત્યારે ઈમરજન્સીમાં કોઈને હોસ્પીટલ લઈ જવા હોય ત્યારે ૧૦૮ પણ આવી શકતી નથી. અને દર્દીને કોતરના પાણીમાથી ખાટલામા બેસાડીને ચાર જણા ઊચકીને સામે છેડે લઈ જવા પડે છે ત્યારે ૧૦૮ નો લાભ મળે છે, અને કેટલીકવાર બીમારને અથવા પ્રસૂતાને સારવાર મળે તે પહેલા જ અઘટિત ઘટના પણ બની જતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.  

 આ અંગે ગ્રામજનોએ વારંવાર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે, છતાં અજદીન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને સાઢલી ગામના ગમાણ ફળીયાના રહીશોને જીવ જોખમમાં મૂકવાની ફરજ પડી રહી છે. અને તેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હાલ તો સાઢલીના ગ્રામજનો મુશ્કેલી વેઠી રહ્યા છે પરંતુ આગામી દીવસોમાં તેમની માંગણી સંતોષવામાં નહી આવે તો ચૂટણી સમયે કોતરમાં બેસીને સત્યાગ્રહ કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે.