ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજના થકી અમારા ઘરોમાં ઉગ્યો સોનાનો સૂરજ - યોજનાના લાભાર્થીઓ

ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય પાવર @ ૨૦૪૭ કાર્યક્રમ અંતર્ગત યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દ્વારકા ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય પાવર @ ૨૦૪૭ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આવી જ એક યોજના ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજનાના લાભાર્થી રાઠોડ જીજ્ઞેશભાઈએ જણાવ્યું કે, હું દ્વારકાના નસંગ ટેકરી વિસ્તારમાં કાચા મકાનમાં રહું છું. અમારી આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી ઘરમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવી શકવા સક્ષમ નહોતો. બાદમાં અમને સરકારશ્રીની ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજનાની જાણકારી મળી. અને મેં આ યોજનામાં ફોર્મ ભરતા ઉર્જા વિભાગ દ્વારા મારા ઘરે નિઃશુલ્ક મીટર લગાવી આપવામાં આવ્યું છે. જેના કારણે આજે મને ૨૪ કલાક વીજળી મળી રહી છે.

અન્ય એક લાભાર્થી ચાંદપા પ્રતાપ ભાઈએ જણાવ્યું કે, હું રેતવાપાડા વિસ્તાર, હાઇવે રોડ પર રહું છું. પહેલા મારા ઘરે વીજળીનું કનેક્શન નહોતું. જેના કારણે મને અને મારા પરિવારને જીવન ગુજારવામાં મુશ્કેલી પડી રહી હતી. બાદમાં ઉર્જા વિભાગ દ્વારા મારા ઘરે નિઃ શુલ્ક મીટર લગાવી આપી વીજળીની સુવિધા પૂરી પાડવામાં આવી. ૨૪ કલાક વીજળીની સુવિધા મળી રહેતા હું અને મારો પરિવાર શાંતિથી જીવનનિર્વાહ કરી શકીએ છીએ.

સરકારશ્રી દ્વારા જનહિતમાં અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. અને આવી વિવિધ યોજનાઓનો જરૂરિયાતમંદ લોકો લાભ લ્યે તેમ અપીલ કરું છું. તેમજ સરકારશ્રી દ્વારા આવી જન ઉપયોગી વિવિધ યોજનાઓ લાવવામાં આવી રહી છે તેના માટે સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું