ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ દ્વારા એકબીજા પર શાબ્દિક પ્રહારો વધતાં જ જઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાતનાં અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા દ્વારા રાજ્યના ગૃહરાજ્ય મંત્રી સામે ડ્રગ્સ મામલે કરાયેલ ટિપ્પણી મામે સુરતમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવા મામલે ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' કહ્યા હતા જે બાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં તેમની સામે બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે.
શું કહ્યું ગોપાલ ઈટાલિયાએ
સમગ્ર મામલે ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે ગૃહમંત્રી ભગવાન ગણપતિ સદબુદ્ધિ આપે, મારા પર FIR કરવાથી અદાણી પોર્ટ પર આવતું ડ્રગ્સ બંધ નહીં થાય. મેં જીવનમાં ક્યારેય નશો કર્યો નથી, નશો વેચ્યો નથી, છતાં મારા ફરિયાદ કરી રહ્યા છે તેથી લાગી રહ્યું છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે.
ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે ડ્રગ્સ પકડાય છે એ સારી બાબત છે પણ વારંવાર ડ્રગ્સ ગુજરાતમાં જ કેમ આવે છે, માફિયાઓને એવું કેમ લાગે છે કે ગુજરાતમાંથી જ ડ્રગ્સ મોકલવું, શું કોઈ નેતાઓનો તેમને સપોર્ટ મળી રહ્યો છે?
અરવિંદ કેજરીવાલે કહ્યું હજુ તો બહુ અત્યાચાર થશે
આ જ મામલે પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે હજુ તો ઘણી ફરિયાદ થશે અમારી સામે. ડંડાથી મારવામાં પણ આવશે, CBI અને ED પણ આવશે. તમામ પ્રકારના પ્રયાસો અમારી સામે કરવામાં આવશે.