વલસાડ જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૨’ની ઉજવણી અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી કરવામાં આવે છે. વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માહ – ૨૦૨૨ની ઉજવણીના સુચારૂ આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સભાખંડમાં આજરોજ બેઠક યોજાઈ હતી. આ વર્ષે ‘પોષણ માહ’ માં ગ્રામ્ય સ્તરે સરપંચ અને ગ્રામ પંચાયતોને મુખ્ય આધાર રાખી ‘પોષણ પંચાયત’ બનાવવા પર ભાર મુકી મહિલા સ્વાસ્થ્ય, બચ્ચા અને શિક્ષા (પોષણ ભી પઢાઈ ભી), જાતિગત સંવેદનશીલ (જેન્ડર સેન્સેટીવ) જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, આદીવાસી વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત ખોરાક જેવી વિવિધ થીમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમોના આયોજન અંગે આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પ, ઓળખ માટે સ્ક્રીનિંગ કેમ્પ, મહિલાઓ અને કિશોરીઓમાં માસિક સ્ત્રાવની સ્વચ્છતા, એનિમિયા નિવારણ, યોગ્ય સ્તનપાન, પ્રસૂતિની સંભાળ, કિશોરોમાં ડાયાબિટીશ નિદાન કેમ્પ, વગેરે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવા, શિક્ષણ અને રમતગમત વિભાગ દ્વારા પોષણ મેળાઓનું, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, આંગણવાડીના બાળકો માટે સ્વસ્થ બાળક સ્પર્ધાનું, જળ સંરક્ષણ અને કૃષિ વિભાગ દ્વારા જિલ્લા જલ શક્તિ કેન્દ્ર દ્વારા આંગણવાડી કેન્દ્રોના મકાનોમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર સ્થાપવા, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, વરસાદી પાણીના સંગ્રહ તકનીકો દર્શાવતા વર્કશોપનું તેમજ ગ્રામ પંચાયતોને ‘મહિલા સ્વાસ્થ્ય’ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આદિવાસી વિસ્તારોમાં પણ પોષણ માહ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.અનિલ પટેલ, આઈસીડીએસના જિલા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જ્યોત્સના પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી કે.એફ. વસાવા, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી બી.ડી.બારીયા, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી કમલેશ ગીરાશે તેમજ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા.
બોક્ષ-
પોષણ માહ અંતર્ગત બાળકોની વૃદ્ધિ માપન અંગે જાગરૂકતા લાવવા માટે ૬(છ) માસથી ૩(ત્રણ) વર્ષ અને ૩(ત્રણ) વર્ષથી ૫(પાંચ) વર્ષના બાળકો માટે સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન કરાશે. જેમાં વિવિધ ગુણ આધારિત માપદંડોને આધારે જિલ્લામાંથી પહેલા ત્રણ રેન્ક માટે બાળકોની પસંદગી કરી વિવિધ પુરસ્કાર આપવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા વિજેતા બાળકોને ન્યુટ્રીશન કિટ અને વધુ પુરષ્કાર સ્વરૂપે સ્વચ્છતા કિટ, પાણીની બોટલ, ફળોની ટોપલી અને રમકડાં આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનારા તમામ બાળકોને પ્રોત્સાહન ભેટ તરીકે સ્વચ્છતા કિટ અને રમકડાં આપવામાં આવશે.