રાજકોટમાં સીટી બસમાં જીવન જોખમે મુસાફરી કરવી પડે છે. અવારનવાર સીટી બસમાં ખામી સર્જાઈ છે અને તેમાં મુસાફરોને ભોગ બનવું પડે છે. હજુ ગત મહિના પહેલા જ એક સીટી બસ કાલાવડ રોડ પર સળગી ગઈ હતી ત્યારે આજે વધુ એક બસમાં દુર્ઘટના સર્જાઈ હતી. આજે ચાલુ સીટી બસમાંથી ટાયર નીકળી ગયું હતું. આ ઘટના ત્યારે બની હતી જયારે બસ પોતાના રૂટ પર દોડી રહી હતી અને બસમાં અંદાજે 20 કરતા પણ વધારે મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. ચાલુ બસમાંથી અચાનક જ ટાયર નીકળી જતા બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

આ ઘટનામાં કોઈ મોટી જાનહાની કે નુકશાની થઇ ન હતી જો કે એક બાળકીને ઇજા પહોંચી હતી. રાજકોટમાં આ અગાઉ પણ સીટી બસમાં અનેક વખત દુર્ઘટના સર્જાઈ છે ત્યારે આજે વધુ એક દુર્ઘટના સર્જાતા સીટી બસના મેન્ટેન્સ સામે પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. આ સીટી બસના ડ્રાઈવરે બસના ટાયર અંગે ફરિયાદ પણ કરી હતી. 

સૂત્રોના જણાવ્યા મુજબ સીટી બસ શહેરના 80 ફૂટ રોડ પરથી પસાર થઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અને મીડિયા સાથે વાત કરતા બસના ડ્રાઈવર સામતભાઇએ જણાવ્યું હતું કે સીટી બસ જયારે ત્રિકોણ બાગ પાસેથી શરુ કરી ત્યારે તેને એન્જસીના અધિકારીઓને ટાયરના ભાગે ટેકીકાળ ફોલ્ટ હોવાની જાણ પણ કરી હતી.

જો કે અધિકારીઓ દ્વારા બસમાં મામૂલી ખામી હોવાનું કારણ આપ્યું હતું અને બસને નિયત રૂટ પર ચલાવવાની સૂચના આપવામાં આવી હતી. આ ઘટનામાં એક બાળકીને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.