*રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૦૦ ટકાથી વધુ વરસાદ :- રાહત કમિશનરશ્રી હર્ષદ પટેલ*

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ ૫ડવાની સંભાવના* 

સરદાર સરોવર ડેમ ૧૩૬.૭ મીટરની સપાટીએ

રાજ્યમાં ૯૮ જળાશય હાઇ એલર્ટ, ૧૮ જળાશય એલર્ટ અને ૧૪ જળાશય વોર્નીગ ૫ર 

SEOC, ગાંધીનગર ખાતે રાહત કમિશનરશ્રીની ઉપસ્થિતિમાં વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઇ

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ૧૦૦.૯૮ ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં ૪૨.૩૫ ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ ૮૬ લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં ૮૨ લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં એટલે કે ૯૫ ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે તેમ રાહત કમિશનરશ્રી હર્ષદ પટેલે જણાવ્યું હતું. 

રાહત કમિશનરશ્રી હર્ષદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.

રાહત કમિશનરશ્રી પટેલે રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૬.૭ મીટર સુધી પહોંચી છે એટલે કે ડેમમાં ૯૩.૪૨ ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૪,૪૨,૬૨૫ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના ૭૯.૩૦ ટકા જેટલો છે. હાલમાં રાજ્યમાં ૯૮ જળાશય હાઇ એલર્ટ, ૧૮ જળાશય એલર્ટ અને ૧૪ જળાશય વોર્નીગ ૫ર છે. 

હવામાન વિભાગના નિયામક શ્રી મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતાં કહ્યું હતું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ ૫ડવાની સંભાવના છે. 

રાજયમાં હાલ અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, દેવભૂમિદ્વારકા, ગીરસોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, નવસારી, રાજકોટ, સુરત અને વલસાડમાં NDRFની ૧-૧ ટીમ મળી કુલ-૧૨ ટીમો તૈનાત કરાઈ છે. તથા ૧ ટીમ ગાંધીનગર અને ૨ ટીમો વડોદરા ખાતે એમ કુલ ૩ ટીમો રીઝર્વ છે. તેમજ રાજયમાં હાલ SDRFની કુલ ૧૧ પ્લાટુન રીઝર્વ છે.

આ બેઠકમાં ઊર્જા, આરોગ્ય, માર્ગ અને મકાન, GSRTC, CWC, કોસ્ટ ગાર્ડ, પંચાયત, ફિશરીઝ, કૃષિ-પશુપાલન, ફોરેસ્ટ, શહેરી વિકાસ, GMB સહિતના અધિકારીઓએ હાજર રહી જરૂરી વિગતો આપી હતી. 

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી