મહીસાગરના જંગલમાં "વાઘ" ફરી રહયો હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ....

◆ મહીસાગરના જંગલોમાં "ટાઈગર અભી ઝીંદા હૈ'' ના ભય કરતા આનંદની ચર્ચાઓમાં.....

◆ પાંડરવાડા જંગલને અડીને આવેલ જેઠાલ ગામે વાઘે બકરાનું મારણ કર્યુ હોવાનું સ્થાનિક રહીશોના આક્ષેપો..!!

◆ જંગલમાં "વાઘ" ફરી રહયો હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ....

મહીસાગર જિલ્લાના જંગલ વિસ્તારમાં "ટાઈગર અભી ઝીંદા હૈ'' ની જેમ ખાનપુર તાલુકાના પાંડરવાડા જંગલ વિસ્તારને અડીને આવેલા ગામોમાં વાઘ દ્વારા જેઠાલ ગામે વધુ એક બકરાનું મારણ કર્યુ હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. જો કે ખાનપુરના જંગલમાં વાઘ શિકારની શોધમાં ફરી રહયો હોવાનો વિડીયો ખાનપુર પંથકમાં સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે એમાં જંગલનો રાજા વાઘ દેખાઈ રહયો છે પરંતુ મહીસાગર વન વિભાગના સત્તાધીશો દ્વારા જંગલ વિસ્તારમાં વર્ષોથી રહેતા સ્થાનિક રહીશોના "વાઘ'' જ મારણ કરી રહયો હોવાના આ દાવાઓ સામે દીપડો હોવાના અનુમાનો કરી રહયા છે. પરંતુ જંગલ વિસ્તારમાં વાઘની હાજરી હોવાની પુષ્ટિ કરતા સર્ચ અભિયાન માટે ટ્રેપીંગ કેમેરાઓ ગોઠવવા કે કેમ? આ વિચારાધીન હેઠળ હોવાનું કહેવાય છે. મહીસાગર જિલ્લામાં ગુજરાતના અહોભાગ્ય જેવી ઘટનામાં ફેબ્રુઆરી-૨૦૧૯માં કતારના જંગલમાં વાઘ દેખાયો હોવાની સત્તાવાર જાણકારી વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ વાઘ હોવાના આનંદ ઉભરો શાંત પડે આ પૂર્વે કયાંક વન વિભાગની બેદરકારીઓમાં એક સપ્તાહમાં કતારના જંગલ વિસ્તારમાંથી વાઘનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા વન્ય પ્રેમીઓમાં ભારે આક્રોશ ઉભો થયો હતો. તત્કાલીન સમયે કહેવાતું હતું કે વાઘને મારણ માં ઝેર નાંખીને મારી નાંખવામાં આવ્યો છે. જો કે આ રહસ્ય આજે પણ અકબંધ છે.!! જો કે આ નિરાશાની ઘટના બાદ મહીસાગરના જંગલમાં "ટાઈગર અભી ઝીંદા હૈ"ની આશાઓ પ્રગટ કરતા એક બનાવમાં પાંડરવાડાના જંગલમાં ફરતા વાઘ દ્વારા બકરાઓ, નીલગાય, રોઝ જેવા પશુઓનું મારણ કરવામાં આવી રહયુ હોવાની આ ચર્ચાઓ વચ્ચે ખાનપુર તાલુકાના જેઠાલ ગામે વધુ એક બકરાનું મારણ કરતા સ્થાનિક રહીશોનો દાવો છે કે આ મારણ વાઘ દ્વારા જ કરવામાં આવ્યું છે જો કે જંગલ વિસ્તારમાં "વાઘ" ફરતો હોવાની આ ચર્ચાઓ વચ્ચે સોશિયલ મિડીયામાં વાયરલ થયેક વિડીયોમાં કોઈક વણઝારા જ્ઞાતિના ઈસમોએ જંગલ ખુંદી રહેલા વાઘનો વિડીયો ઉતાર્યો છે. એમાં "જાય રેઈઓ રે હટ રે ભાઈ" જેવા ઉચ્ચારણો પણ સંભળાઈ રહયા છે. જો કે સ્થાનિક રહીશોના વાઘ હોવાના દાવાઓ સામે વન વિભાગના દીપડો હોવાના દાવાઓની આ રમતો વચ્ચે જો વન વિભાગ નાઈટ વિઝન કેમેરાઓ તથા સંશોધન આધારીત ફરજો બજાવે તો વાઘ હોવાનું મહીસાગરનું ગૌરવ પુનઃ સ્થાપિત થાય એમ છે.!!