ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં બોટાદ જિલ્લામાં થયેલા કેમિકલ કાંડ બાદ સમગ્ર રાજ્યમાં લાગુ દારુબંધી અંગે સવાલો ઉઠી રહ્યા છે. હવે આ મામલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શકંરસિંહ વાઘેલા મેદાનમાં આવ્યા છે. બાપુના હુલામણા નામથી જાણીતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ગુજરાતમાં દારુબંધી ભ્રષ્ટાચારનો મોટો અડ્ડો છે. તેમણે કહ્યું કે, રાજ્યમાંથી દારુબંધી હટાવી લેવી જોઈએ. આ અંગે તેમણે એવો તર્ક આપ્યો કે, રાજ્યમાં દારુબંધી ખાલી નામની છે. તેનો યોગ્ય અમલ થતો નથી. તેથી રાજ્યમાંથી દારુબંધી હટાવી તેમાથી જે આવક થાય તેનો ઉપયોગ શિક્ષણ અને વિકાસકામોમાં થવો જોઈએ.
બીજા રાજયોમાં પણ દારુબંધીમાંથી મોટી આવક કરવામાં આવે છે. ગુજરાતમાં પણ યોગ્ય પદ્ધતિ દ્વારા દારુબંધી હટાવી લેવી જોઈએ.આ ઉપરાંત તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, બોટાદ કેમિકલ કાંડ કે લઠ્ઠાકાંડ જેવી ઘટના રાજ્યમાં પહેલીવાર નથી બની. ગુજરાત હવે ઉડતું ગુજરાત બની રહ્યું છે. આ મામલે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાથી કઈ નહીં થાય. આ માટે જવાબદાર રાજ્યનો વડો હોય છે, અધિકારી તો માત્ર વહિવટનો ભાગ છે. કરોડો રુપિયાનો આ ખેલ છે. આ ઉપરાંત તેમણે રાજકારણમાં ફરી સક્રીય થવાના સંકેત આપ્યા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આગામી ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓ સક્રીય થઈ છે. તો બીજી તરફ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સક્રિય થયા છે. મળતી માહિતી પ્રમાણે સક્રિય રાજકારણમાં આવવા માટેના બાપુએ સંકેત આપ્યા છે. રાજકીય રસ્તો અને પાર્ટી નક્કી કરવા આજે સમર્થકોને બાપુએ વસંત વગડે બોલાવ્યા છે. આજે 11 વાગ્યે શકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાને તેમના સમર્થકો એકઠા થશે. આગામી એક અઠવાડિયામાં શકંરસિંહ બાપુ કોઈ મોટી જાહેરાત કરી શકે છે.