જામજોધપુરના નરમાણામાં મહિલાની છેડતી કરનાર પોલીસમેનને તત્કાલ સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી રઘુવંશી સમાજ દ્વારા આજે શહેરનાં બહુમાળી ભવનથી કલેક્ટર કચેરી સુધી બાઈક રેલી યોજવામાં આવી હતી. જેમાં રઘુવંશીઓ વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. આ મામલે રઘુવંશી સમાજના અગ્રણી કાશ્મીરાબેન નથવાણીની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટર તંત્રને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવેલ હતું. આ બાબતે રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ કાછેલા ધવલભાઈએ જણાવ્યું હતું કે જામજોધપુરનાં નરમાણામાં પોતાના ખાનગી કામથી એક્ટીવા પર બહાર સ્થાનિક બજારમાં મહિલા ખરીદી કરી પરત ફરતા હતા ત્યારે રસ્તામાં પૃથ્વીસિંહ જાડેજા નામના પોલીસમેને આ મહિલાને અટકાવી તેનું બાવડુ પકડી અભદ્ર માગણી કરી હતી. આ સમયે પાછળથી બીજી ગાડી આવતી જોઇ પૃથ્વીસિંહ જાડેજા નામના પોલીસમેને આ મહિલાનું હાથ છોડી દીધો હતો. આથી આ મહિલા ત્યાંથી ભાગી છૂટી હતી. આ મહિલાને પોલીસ કોન્સ્ટેબલે ફડાકા પણ ઝીંકા દીધા હતા.