જિન શાસનનો શણગાર પર્યુષણ પર્વ-7: દેશની બીજા નંબરની સોનગઢમાં પ્રસ્થાપિત થશે ભગવાન બાહુબલીની પ્રતિમા પ્રતિમા 400 ટન વજન ધરાવતા ગ્રેનાઇટના પથ્થરમાંથી કંડારવામાં આવી છે ભારતદેશમાં સુપ્રસિધ્ધ પૂ.ગુરૂદેવશ્રી કાનજીસ્વામી અને બહેન ચંપાબેનની સાધનાભૂમિ અને સુર્વણપુરી તરીકે ઓળખાતું ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું સોનગઢ ગામ જયા અનેક જૈન મંદિરો આવેલ છે. આ ગામમાં ભારતદેશની બીજા નંબરની બાહુબલી ભગવાનની ભવ્ય જિનબિમ્બ અને જમ્બુદ્રિપનું આયોજન કરવામાં આવેલ છે. સોનગઢ મુકામે કુન્દ કુન્દકહાન દિંગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ દ્વારા બાહુબલી ભગવાનની ગ્રેનાઇટના પત્થરની 41 ફુટ ઉંચાઇ ધરાવતી, 14 ફુટની પહોંળાઇ અને 7 ફુટની ઉંડાઇ ધરાવતી પ્રતિમાનું 41 ફુટની ઊંચી ટેકરી ઉપર પ્રતિષ્ઠિત કરવામાં આવશે. આ પ્રતિમા બેંગ્લોરના બિદાડી ખાતેથી લાવવામાં આવેલ. આ પ્રતિમાં કંડારવા માટેના યોગ્ય પથ્થરોની શિલ્પીઓ દ્વારા શોધ કરવામાં આવી હતી. બેંગ્લોરના હાસન જિલ્લાના શ્રવણ બેલા ગોલામાં સૌથી ઉંચી પ્રતિમા જેવી જ પ્રતિમાના નિર્માણનો નિર્ણય ટ્રસ્ટી મંડળ દ્વારા લેવાયો. આ પ્રતિમા 400 ટન વજન ધરાવતા ગ્રેનાઇટના પથ્થરમાંથી કંડારવામાં આવી છે. આ પથ્થર દેવાના હકલી પાસેના કોઇરામાંથી પ્રાપ્ત કરવામાં આવેલ હતો. આ પ્રતિમાના શિલ્પી રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અશોક ગુડીકર છે. આ પ્રતિમાને 140 પેંડાવાળા વિશાળ ટ્રકમાં બેંગ્લોરથી લાવવામાં આવેલ અને દરેક શહેર અને ગામમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. બાહુબલી ભગવાનની ભારતમાં બીજા નંબર ભવ્ય પ્રતિમા લગભગ 45 દિવસે સુવર્ણપુરી ગામ સોનગઢ ગામે તા.10/6/2010નાં રોજ પહોંચતા તેમનો ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં મહારાજ સાહેબ, મુનીવરો અને જૈન સમાજના મુમુક્ષો બહોળી સંખ્યામાં જોડાયા હતા. સોનગઢ ગામને શણગારવામાં આવેલ, હેલીકોપ્ટર થી પ્રતિમા પર પુષ્પવર્ષા કરવામાં આવેલ હતી.