જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ 179- વલસાડ, 180- પારડી અને 182- ઉમરગામ મત વિસ્તારના 8 મતદાન મથકોની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્લી દ્વારા તા.1 ઓક્ટોબર 2022ની લાયકાત તારીખની ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 અન્વયે તા.12 ઓગસ્ટ 2022ના રોજથી શરૂ થયેલા કાર્યક્રમ હેઠળ તા.21 ઓગસ્ટ 2022 (રવિવાર), તા. 28 ઓગસ્ટ 2022 (રવિવાર), તા. 4 સપ્ટેમ્બર 2022(રવિવાર) અને તા.11 સપ્ટેમ્બર 2022 (રવિવાર)ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ક્ષિપ્રા આગ્રેએ ગત રવિવાર તા.28 ઓગસ્ટના રોજ ખાસ ઝુંબેશ અંતર્ગત જિલ્લાની વલસાડ, પારડી અને ઉમરગામ વિધાનસભા મત વિસ્તારના 8 મતદાન મથકોની મુલાકાત લઈ મતદાન માટે જરૂરી વ્યવસ્થાઓ સંદર્ભે સૂચનો કર્યા હતા. જેમાં 179 વલસાડ, 180 પારડી અને 182 ઉમરગામ મત વિસ્તારના મતદાન મથકો જેમાં 177 મોગરાવાડી-3, 178 મોગરાવાડી-4, 190 અબ્રામા-4, 191 અબ્રામા-5, 202 અબ્રામા-16, 157 છરવાડા-11, 158 છરવાડા-12 અને ચણોદ કોલોની-12, ચણોદ કોલોની-13 અને 21 ચણોદ કોલોની બુથોનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત કાર્યક્રમ સંદર્ભે વલસાડ જિલ્લામાં સમાવિષ્ટ 5 વિધાનસભા બેઠકોના કુલ 1392 મતદાન મથકોએ તા. 28 ઓગસ્ટના રોજ બુથ લેવલ ઓફિસરોની ઉપસ્થિતિમાં સવારે 10 કલાકથી સાંજના 5 કલાક સુધી મતદારયાદીમાં નામ દાખલ માટે ફોર્મ નં. 6, નામ કમી માટે ફોર્મ નં. 6-ખ, નામ સુધારા માટે ફોર્મ નં. 7 અને આધાર લીંક માટે ફોર્મ નં. 8 ભરાવવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લામાં ફોર્મ નં.6 કુલ 10563, ફોર્મ નં. 6-ખ કુલ 40406, ફોર્મ નં.7 કુલ 2881 અને ફોર્મ નં. 8 કુલ 5787 એમ કુલ મળીને 59637 ફોર્મ્સ મેળવવામાં આવ્યા હતા. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે તા. 21 ઓગસ્ટના રોજ 10270 ફોર્મ્સ મેળવવામાં આવ્યા હતા.
જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઉમેશ પી. શાહ, તમામ મતદાર નોંધણી અધિકારીશ્રી તથા મદદનીશ નોંધણી અધિકારીશ્રી દ્વારા તા. 28 ઓગસ્ટે રવિવારે જિલ્લાના કુલ 544 વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.