નવરાત્રિ મહોત્સવને આડે હવે એક મહિનો બાકી રહ્યો છે એટલે ખેલૈયાઓ નવરાત્રિની પૂર્વ તૈયારી રૃપે હાલમાં હાલમાં ચણિયા ચોળી, ઓર્નામેન્ટ્સ, ઝભ્ભો, ધોતીની ખરીદી કરી રહ્યા છે. આજે રવિવારે મંગળબજાર અને નવાબજારની ચણિયા ચોળીની દુકાનોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. જો કે છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વખતે ચણિયા ચોળી અને ઓનાર્મેન્ટસમાં થયેલો બમણો ભાવ વધારો ખેલૈયાઓના બજેટને ખોરવી નાખશે.
ભાવ વધારા અંગે વેપારીઓનું કહેવું છે કે '૨૦૧૯ની સરખામણીમાં રૃના ભાવમાં ભારે વધારો થયો છે. ૨૦૧૯માં રૃની એક કિલો પુણીનો ભાવ રૃ.૨૬૬ હતો તે આ વખતે રૃ.૩૪૮ છે. તો જડતર, એમ્બ્રોડરી, દોરા સહિતના મટીરિયલ અને સિલાઇ કામના ભાવમાં પણ ૩૦ ટકાનો વધારો છે. ટ્રાન્સ્પોર્ટેશન મોંઘુ બન્યુ છે. આ બધા પરિબળોના કારણે ચણિયા ચોળી, ઝભ્ભાના ભાવમાં આશરે ૭૫ થી ૮૦ ટકાનો વધારો નોંધાયો છે. તેની સાથે ઓક્સિડાઇઝ્ડ ઓર્નામેન્ટના ભાવમાં પણ ૩૦ ટકાથી વધુનો વધારો થયો છે.'
નવા બજારમાં ચણિયા ચોળીની ખરીદી માટે આવેલી યુવતીએ ગણતરી સમજાવતા કહ્યું હતું કે ' બે વર્ષ પહેલા કોટનની જે ચણિયા ચોળી રૃ.૧૫૦૦માં મળતી હતી તેની કિંમત આ વર્ષે રૃ.૨૮૦૦ થી ૩,૦૦૦ છે. વધુ ભભકાદાર અને વધુ ભરતકામવાળી ચણિયા ચોળી તો હવે રૃ.૫,૦૦૦થી ઓછી કિંમતમા મળતી જ નથી. ઓક્સિડાઇઝ્ડ ઓર્નામેન્ટમાં પણ બે વર્ષ પહેલા જે બુટ્ટી રૃ.૫૫ થી ૬૦ રૃપિયામાં મળતી હતી તેની કિંમત રૃ.૧૦૦ની આસપાસ થઇ ગઇ છે. આમ બધી જ વસ્તુઓમાં ભાવ વધારો થયો છે. એક યુવતી દર વર્ષે નવરાત્રિમાં સામાન્ય રીતે ત્રણથી ચાર ચણિયા ચોળી અને તેને સાથે મેચ થતા ઓર્નામેન્ટ ખરીદે છે. બે વર્ષ પહેલાં તેનુ બજેટ રૃ.૬૦૦૦ની આજુ બાજુ થતું હતું,જે વધીને આ વર્ષે રૃ.૧૦,૦૦૦ થયું છે.