ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સુરત મહાનગર પાલિકા શહેરમાંથી રખડતા ઢોરને પકડી તબેલાઓ હટાવવાની કામગીરી કરી રહી છે. સુરતમાં મહાનગર પાલિકાએ તમામ વિસ્તારોમાં કામગીરી તેજ કરી છે. સરકાર દ્વારા રખડતા પશુઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતી હોવાથી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી તબેલાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
માલધારી સમાજના અસરગ્રસ્તો સાથે બેઠકનું આયોજન કર્યું હતું
કતારગામ, ડભોલી રોડ, લંકા વિજય હનુમાન અમરોલી ખાતે મહાનગરપાલિકાની ટીમ દ્વારા તબેલાઓ દૂર કરવામાં આવ્યા છે અને દુધાળા પશુઓને મહાનગરપાલિકા દ્વારા ડબ્બામાં ભરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાની કાર્યવાહીથી માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય એકતા સમિતિના હોદ્દેદારો અસરગ્રસ્ત ડભોલી રોડની આસપાસના દુકાનદારોને મળ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા જે વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી છે તેવા વિસ્તારોના માલિકો સાથે બેઠક પણ યોજવામાં આવી છે.
સરકારને દૂધની જરૂર છે પણ તબેલાની જરૂર નથી
ઉત્તર ગુજરાત ક્ષત્રિય એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે સરકાર રખડતા પશુઓને પકડી રહી છે. અમે તેને સમર્થન આપીએ છીએ પરંતુ પશુપાલકોના તબેલામાંથી બળજબરીથી ઢોર છીનવી લેવામાં આવે છે અને તબેલા પર બુલડોઝર ચલાવવામાં આવે છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ.