અમદાવાદ
લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે તેવો કિસ્સો શાહીબાગ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે, લકી ડ્રોના નામે આરોપીએ છ લોકો પાસેથી ત્રણ વર્ષ સુધી હપ્તા ભરાવ્યા હતા અને ઇનામ ના લાગે તો રૃપિયા પરત આપવાની વાત કરી હતી જેમાં છતાં છ વ્યકિતને આપવાના રૃા. ૨.૮૮ લાખ પરત નહી આપીને લોકો સાથે છેતરપીંડી કરી હતી.
અસારવા કલાપીનગર પાસે ઉમિયાનગર નજીક સીત એપાર્ટમેન્ટ ખાતે રહેતા ગુણવંતભાઇ બાબુભાઇ પટેલ (ઉ.વ.૪૬)એ શાહીબાગ અસારવા ઠાકોર વાસ આર્યજીબેઠક સામે રહેતા ચીમનલાલ શંકરભાઇ ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે કે અસારવા ખાતે ડિસન્ટ હોઝીયરી નામની દુકાનમાં આરોપીએ શ્રી ચામુંડા મિત્ર મંડળ દ્વારા લકી ડ્રોનું આયાજન કર્યું હતું. જેમાં ફરિયાદીને પોતાના પરિવાર તથા પરિચિત કુલ છ વ્યક્તિના નામે ૨૦૧૯માં કાર્ડ લીધા હતા. લકી ડ્રોના નિયમ મુજબ દર મહિને દરેક વ્યક્તિએ રૃા.૧૨૫૦ ભરવાના હતા. ઇનામની રકમ રોકડથી આપવાની હતી અને ૩૬ મહિના સુધી હપ્તા ભરવાના હતા ત્યારબાદ ઇનામ ના લાગ તો ભરેલી રકમ પરત આપવાની શરત રાખવામાં આવી હતી. જેથી દરેક સભ્યને આરોપીએ રૃા. ૪૮,૦૦૦ આપવાના હતા આમ કુલ છ વ્યકિતના રૃા. ૨.૮૮,૦૦૦ આપવાની નીકળતા હતા. પરંતુ આરોપીએ ઇનામ કે પછી રોકડા રૃપિયા નહી આપીને છેતરપીંડી કરીને આરોપી ક્યાંક નાસી ગયા છે.