ઓડ સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું

*************

-:મુખ્યમંત્રી:-

  • પ્રાથમિક સુવિધાઓ રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચાડી સરકારે અંત્યોદયથી સર્વોદયના સૂત્રને ચરિતાર્થ કર્યું
  • ગુજરાત જન-કલ્યાણકારી સેવાઓના પ્રદાનમાં હંમેશાં અગ્રેસર

*************

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, રોડ-રસ્તા, વીજળી, પાણી, જેવી પ્રાથમિક સુવિધાઓ રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચાડી સરકારે અંત્યોદયથી સર્વોદયના સૂત્રને ચરિતાર્થ કર્યું છે. રાજ્ય સરકારે જન-સામાન્યની નાનામાં નાની જરૂરિયાતોનું ધ્યાન રાખીને સુશાસનની જે આગવી કેડી કંડારી છે, તેનાથી ગુજરાત દેશનું મોડલ સ્ટેટ બન્યું છે.

મુખ્યમંત્રી ઓડ સમાજના સ્નેહમિલનમાં સંબોધન કરી રહ્યા હતા. ઓડ સમાજે મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, પાછલા બે દાયકાની વિકાસયાત્રાએ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે. 108 ઈમરજન્સી સેવા, પ્રધાનમંત્રી જનઆરોગ્ય મા-કાર્ડ જેવી અનેક સેવા-યોજનાઓના વ્યાપક અને અસરકારક અમલીકરણથી ગુજરાત જન-કલ્યાણકારી સેવાઓના પ્રદાનમાં હંમેશાં અગ્રેસર રહ્યું છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતની ભાજપા સરકાર નાગરિકોની તમામ રજૂઆતો- પ્રશ્નોને સાંભળીને તેનું નિરાકરણ લાવવા માટે સદાય ખડેપગે છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારોએ કોવિડ નિયંત્રણ, વ્યાપક રસીકરણ અને સારવારના જે પગલાં લીધાં તેની નોંધ વિશ્વના દેશોએ પણ લીધી છે. માત્ર એટલું જ નહીં, વડાપ્રધાનની વિદેશ નીતિને પરિણામે ભારતનું ગૌરવ-અસ્મિતા વિદેશમાં વૃદ્ધિ પામ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે ઉમેર્યું કે, યુક્રેન યુદ્ધની સ્થિતિ હોય કે કોરોનાની વૈશ્વિક મહામારી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઓપરેશન ગંગા જેવા મિશન ચલાવી ભારતવાસીઓને સહીસલામત વતન પાછા લાવ્યા છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ભારતની આ અસ્મિતા-રાષ્ટ્રગૌરવનું ગાન કરવા દરેક દેશવાસીઓએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને પોતાના ઘરે કે કાર્યસ્થળ ઉપર તિરંગો લહેરાવ્યો હતો.