વઢવાણ :ખાદી કમિશન મુંબઈ અમદાવાદ તથા કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ ગાંધીનગર દ્વારા ખાદી ઉત્સવ ની ઉજવણીના ભાગરૂપે સાબરમતી નદીના કિનારે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર તારીખ 27 8 2022 ને શનિવારે સાંજે આત્મનિર્ભરતાની ઝાંખી તાદ્રશ્ય કરતા કાર્યક્રમનું આયોજન થયેલ છે. આ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના 7500 ચરખા કારીગરો દ્વારા કાંતણ કામ થશે જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વગેરે ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમની વિગત આપતા સુરેન્દ્રનગરની ખાદી સંસ્થા રૂરલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન ના પ્રમુખ બાબુલાલ વાઘેલાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ 160 ખાદી સંસ્થાઓ ના કારીગરોને ખાદી બોર્ડ દ્વારા ચરખા આપવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના આશરે 5000 કારીગરો પોતાના ચરખા સાથે અમદાવાદમાં યોજાનાર ખાદી ઉત્સવ માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ની ઉપસ્થિતિમાં કાંતણ કામ કરશે જેમાં તેઓ પૂણી માંથી કંતાઇ કામ કરી સુતરની આંટી બનાવશે. આ ઐતિહાસિક પ્રસંગ ના સાક્ષી સુરેન્દ્રનગર જિલ્લાના કારીગરો બનશે તે જિલ્લા માટે ગૌરવની વાત છે સુરેન્દ્રનગર જિલ્લાની ખાદી સંસ્થાઓ જેમકે સર્વોદય વિકાસ મંડળ જોરાવરનગર, ગૌરવ રચનાત્મક સમિતિ જેગડવા ધાંગધ્રા, ખાદિ ગ્રામ ઉદ્યોગ ટ્રસ્ટ ઘણાદ લખતર, ગ્રામોથાન સાર્વજનિક ટ્રસ્ટ સુરેન્દ્રનગર, ગુજરાત ખાદીઘર વઢવાણ, સંત સવૈયાનાથ ખાદી ગ્રામ ઉદ્યોગ લીંબડી વગેરેના કારીગરો આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનશે.