પશ્ચિમ બંગાળના શિક્ષણ વિભાગમાં કૌભાંડની તપાસ કરતી કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અર્પિતા મુખર્જીના અન્ય એક ઘરમાંથી મોટી રકમની રોકડ રિકવર કરી છે. ન્યૂઝ એજન્સી અનુસાર, પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટરજીની નજીકની સાથી અર્પિતા મુખર્જીના ઘરેથી લગભગ 29 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે, જે બાદ તેની પાસેથી મળી કુલ રોકડ અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

ન્યૂઝ એજન્સી દ્વારા શેર કરવામાં આવેલા ફોટામાં 500 અને 2000 રૂપિયાની નોટોના બંડલ દેખાઈ રહ્યા છે, જેની ગણતરી હજુ ચાલુ છે. આ સાથે 5 કિલો સોનું પણ મળી આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDને આ પૈસાની ગણતરી કરવામાં 10 કલાકથી વધુ સમય લાગ્યો. ઈડીએ 24 જુલાઈના રોજ કલકત્તા હાઈકોર્ટને જણાવ્યું હતું કે ચેટરજીના ઘરે દરોડા અને 27 કલાક સુધી ચાલેલી પૂછપરછ દરમિયાન 2014ના શિક્ષક ભરતી કૌભાંડમાં તેની સંડોવણીના “પૂરતા પુરાવા” મળ્યા છે.