વઢવાણ :શ્રાવણ મહિનાને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે અને ભાદરવો મહીનો શરૂ થવાનો છે. ચોમાસાનાં ત્રણ મહીના દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૬.૩૦ ટકા વરસાદ થયો છે, બીજી બાજુ અત્યાર સુધીમાં ખરીફ વાવેતર પૂર્ણતાના આરે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૫.૬૬ ટકા ખરીફ વાવેતર થઈ ચુક્યું છે.આ અંગેની વધુ વિગત એવી છે કે, ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં ૬૬.૩૦ ટકા જેટલો વરસાદ પડયો છે, જેમાં સૌથી વધુ ચુડા તાલુકામાં ૫૦૪ મી.મી., ચોટીલા તાલુકામાં ૪૮૯ મી.મી., થાનગઢ તાલુકામાં ૩૩૭ મી.મી., દસાડા તાલુકામાં ૩૮૯ મી.મી., ધ્રાંગધ્રા તાલુકામાં ૩૫૪ મી.મી., મુળી તાલુકામાં ૩૪૮ મી.મી., લખતર તાલુકામાં ૩૭૮ મી.મી., લીંબડી તાલુકામાં ૩૩૦ મી.મી., વઢવાણ તાલુકામાં ૪૬૦ મી.મી. વરસાદ નોંધાયો છે. બીજી તરફ સારા વરસાદને કારણે ખરીફ વાવેતર પણ વધ્યું છે. ઝાલાવાડમાં ખેડુતો દ્વારા અત્યાર સુધીમાં ૫,૯૭,૪૨૦ હેકટરમાં જુદા જુદા ખરીફ પાકનું વાવેતર કર્યું છે. અત્યાર સુધીમાં ૯૫.૨૬ ટકા જેટલું વાવેતર થઈ ચુક્યું છે એટલે કે, ખરીફ વાવેતર પૂર્ણતાના આરે છે. ઝાલાવાડનાં ખેડુતોએ સૌથી વધુ કપાસનું ૪,૦૫,૬૧૨ હેકટરમાં વાવેતર કરેલ છે. મગફળીનું ૨૧,૧૭૪ હેકટરમાં વાવેતર કરેલ છે. ૬૭,૯૫૮ હેક્ટરમાં દિવેલાનું વાવેતર કરેલ છે. ૭૭,૬૬૬ હેકટરમાં ઘાસચારો, ૫,૪૪૧ હેકટરમાં શાકભાજી, ૮,૫૩૮ હેકટરમાં તલનું વાવેતર કરવામાં આવેલ છે, આ ઉપરાંત ડાંગર, બાજરી, મગ, અડદ, સોયાબીન વિગેરેનું પણ વાવેતર કરવામાં આવેલ છે. ઝાલાવાડમાં સૌથી વધુ વાવેતર દસાડા તાલુકામાં ૧,૧૫,૨૨૫ હેકટરમાં થયેલ છે જ્યારે સૌથી ઓછું વાવેતર થાનગઢ તાલુકામાં ૧૫,૫૯૭ હેકટરમાં થયેલ છે.