પંચમહાલ પોસ્ટ વિભાગ ગોધરા દ્વારા પોસ્ટ માસ્તર જનરલ, સાઉથ ગુજરાત રીઝીયન વડોદરાના નેતૃત્વ હેઠળ સ્વામિનારાયણ હોલ, ગોધરા ખાતે પોસ્ટ ઓફીસ દ્વારા પૂરી પાડવામાં આવતી સુકન્યા સમૃદ્ધિ ખાતા, પબ્લિક પ્રોવિડંડ એકાઉન્ટ સ્કીમ, રીકરીંગ ખાતા, ટાઇમ ડીપોઝીટ એકાઉન્ટ જેવી સેવાઓના વ્યાપક પ્રચાર માટે મહા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પંચમહાલ ડીવીઝનની તમામ ૫૨૬ બ્રાંચ પોસ્ટ ઓફીસ ના બ્રાંચ પોસ્ટ માસ્તર તેમજ તમામ ઉપ વિભાગીય ડાકઘર નિરીક્ષક ઉપસ્થિત રહી અધિવેશનને સફળ બનાવ્યું હતું.  માસ્ટર જનરલ પ્રીતિ અગ્રવાલે દરેક કર્મચારીઓને સારી કામગીરી બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું કે પોસ્ટ ઓફીસની વિવિધ યોજનાઓને ગામડાના છેવાડાના માનવી સુધી કઈ રીતે પહોચાડી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.તેમણે દરેક કર્મીઓને વધુ સારી કામગીરી કરી શકે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. પોસ્ટ માસ્તર જનરલ, સાઉથ ગુજરાત રીઝીયન પ્રીતિ અગ્રવાલે સુકન્યા સમૃદ્ધિના ખાતા ખોલાવેલ નાની બાળાઓને સુકન્યાની પાસબુક સાથે નાના છોકરાઓ માટે ખોલાવેલ પબ્લિક પ્રોવિડંડ એકાઉન્ટની પાસબુકનું પણ વિતરણ કર્યું હતું. પંચમહાલ વિભાગની ૫૨૬ બ્રાંચ પોસ્ટ ઓફીસ અને ૪૨ હેડ તેમજ સબ ઓફીસ દ્વારા દસ દિવસમાં વિવિધ કેટેગરીનાં ૧૯,૦૦૦ જેટલા ખાતાનાં ફોર્મ એકત્ર કરી ખાતા ખોલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગત વર્ષ ૨૦૨૧-૨૦૨૨ ના સમયગાળામાં જુદી જુદી કેટેગરીમાં ઉત્તમ કામગીરી કરનાર બ્રાંચ પોસ્ટ માસ્તરોનું ઇનામ તેમજ પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.