સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારોથી વરસાદ વર્તાતો ન હતો. દરરોજ વરસાદી વાતાવરણ બાદ વરસાદ હાથતાળી દઈને જતો રહેતો હતો. ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ સહીત સમગ્ર જિલ્લામાં મંગળવારે મોડી સાંજે મેઘાના મંડાણ થયા હતા. સમગ્ર રાત્રી દરમીયાન ઝરમર વરસાદ સ્વરુપે વરસેલા વરસાદમાં દસાડા તાલુકામાં સૌથી વધુ દોઢ ઈંચથી વધુ પાણી પડયુ હતુ.સુરેન્દ્રનગર જિલ્લામાં લોકો ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી હોવા છતાં જન્માષ્ટમી પર્વે જાણે મેઘરાજા લોકોને મેળાની મોજ માણવા દેવા માંગતા હોય તેમ વરસાદ વરસ્યો જ ન હતો. ઝાલાવાડમાં દરરોજ વરસાદી વાતાવરણ સર્જાતુ હતુ. આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાતા હતા અને હમણા વરસાદ તુટી પડશે તેમ લાગતુ હતુ. પરંતુ મેઘરાજા હાથતાળી દઈને જતા રહેતા હતા. ત્યારે મંગળવારે સાંજે અચાનક મેઘરાજાએ ઝાલાવાડમાં મંડાણ કર્યા હતા. જિલ્લાના ચોટીલા તાલુકાને બાદ કરતા સમગ્ર જિલ્લામાં વરસાદનું આગમન થયુ હતુ.જેમાં દસાડા પંથકમાં સૌથી વધુ મેઘાએ હેત વરસાવ્યુ છે. મંગળવારે સાંજના 6થી બુધવાર સવારના 6 સુધી 38 મીમી વરસાદ ઝરમર સ્વરુપે આકાશમાંથી વરસ્યો હતો. જયારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં પણ એક ઈંચથી વધુ એટલે કે, 27 મીમી, મુળીમાં 22 મીમી, ધ્રાંગધ્રામાં 20 મીમી વરસાદ છેલ્લી 24 કલાકમાં તંત્રના ચોપડે ચડયો છે. આ ઉપરાંત જિલ્લાના લખતરમાં 13 મીમી, ચુડામાં 13 મીમી, થાનમાં 10 મીમી, સાયલામાં 10 મીમી અને લીંબડીમાં 7 મીમી વરસાદ વરસ્યો છે.