સરકારની મદદથી ચાંદ્રાણી ખાતેના ૧૯૦ કરોડના ખર્ચે બનેલા નવા પ્લાન્ટ અંગે માહિતી આપતા અમુલ ફેડરેશનના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઇ હુંબલે ઉમેર્યું હતું કે, કુલ ૨૬ એકરમાં બનેલા આ પ્લાન્ટનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે. કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા સંચાલિત પ્લાન્ટની વર્તમાન દૈનિક રૂ. ૨ લાખ લીટરની કેપેસિટી છે, જે વિસ્તરીને દૈનિક ૪ થી ૬ લાખ લીટર સુધી થઈ શકશે. સોલાર પાવરથી સંચાલિત પ્લાન્ટની ક્ષમતા વધતા વધુ ૨ લાખ લીટર દૂધ તથા તેની બનાવટને અમુલ બ્રાન્ડ હેઠળ કચ્છ તથા નજીકના જિલ્લામાં વેંચાણ અર્થે મુકી શકાશે. 

કાચા દૂધના વેચાણની સામે વેલ્યૂ એડિશન કરી દૂધ અને દૂધની બનાવટો જેમ કે, દહીં, છાશ, પનીર, માવો, પેંડા, ઘી વગેરે તૈયાર થશે. વેલ્યૂ એડિશન શકય બનતા કચ્છના માનવધનથી વધુ પશુધન ધરાવતા જિલ્લાના પશુપાલકોને ઊંચા ભાવો ચુકવવા સરહદ ડેરી સક્ષમ બનતા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ખેડૂતોની બમણી આવક કરવાની કલ્પના ફળીભૂત થશે. આમ, સીધી અને આડકતરી રીતે ૧૦૦૦થી વધારે લોકોને રોજગારી ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં બચત તથા તેનો સીધો ફાયદો પશુપાલકોને થશે. તેઓ જણાવે છે કે, આજે સરહદ ડેરી થકી કચ્છમાં ૧૨૫ મહિલા મંડળી તથા ૧૦૦૦૦ મહિલા પશુપાલક સભાસદ આજે આત્મનિર્ભર બન્યા છે.

 ચેરમેનએ નવા પ્લાન્ટ સાથે કાર્યરત થનારા ગુજરાતના સૌ-પ્રથમ સોલાર પાવર સંચાલિત અને સંપૂર્ણ ઓટોમેટિક પશુ-આહાર(કેટલ ફીડ) અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કેટલ ફીડ પ્લાન્ટનું ૩૦૦ મેટ્રિક ટન પ્રતિદિનથી ૫૦૦ મેટ્રિક ટન પ્રતિ દિન વિસ્તરણ થઇ શકે છે. જેના કારણે વધુ માલનું ઉત્પાદન શકય બનશે.

ઉલ્લેખનીય છે કે, ૧૪ મંડળી પાસેથી રુ. ૧૪00 લીટર દૂધ એકત્રીકરણથી સરહદ ડેરીની શરૂઆત કરવામાં આવી હતી. અત્યારે વટવૃક્ષ બનેલા આ પ્રકલ્પ દ્વારા ૭૩૫ મંડળીના ૯૦ હજારથી વધારે પશુપાલકો પાસેથી રૂ. ૫.૫૦ લાખ લીટર જેટલું દૂધનું ઊંચું કલેક્શન કરવામાં આવ્યું છે. તેમજ ચાલુ વર્ષે રૂ. ૭ લાખ લીટર દૂધ કલેક્શનનું લક્ષ્યાંક છે.