ભારત દેશમાં જ્યારે તંત્ર ગુજરાતના વિકાસ મોડલની વાત કરે છે, પણ અવાર નવાર ગુજરાતના વિકાસની પોલ ખૂલે તેવા કિસ્સાઓ સામે આવતા રહે છે. તાજેતરમાં રાજપીપળા અને રામગઢને જોડતા એક બ્રિજ ઉપર 20 ફૂટ મોટું ગાબડું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ પુલ ઉપર છેલ્લા 2 વર્ષમાં બે વાર આવા ગાબડાં પડી ચૂક્યા છે. રાજપીપળા-રામગઢ પર પડેલુ આ ગાબડું 4 મહિનાથી આ જ સ્થિતિમાં છે, તંત્ર દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી, પરિણામે સ્થાનિકો કંટાળીને ખાડામાં દોરી અને નિસરણી મૂકી સામે છેડે જવા મજબૂર બન્યા છે. લોકો ખૂબ જ જોખમી રીતે આ બ્રિજ ક્રોસ કરી રહ્યા છે, જો કોઈનો પગ લપસ્યો તો મોટી દુર્ઘટના બની શકે છે.

2 વર્ષ અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને લોકાર્પણ વગર જ જાહેર જનતાએ આ બ્રિજનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું. ગયા વર્ષે વરસાદના કારણે આ પુલ વચ્ચેથી બેસી ગયો હતો અને રોડ બંધ કરવા માટે તંત્ર વિવશ બન્યું હતું. તે સમયે જ પુલ બનાવનારા કોન્ટ્રાકટર ઉપર સવાલો ઊભા થયા હતા, ત્યારે હવે ફરીથી આ વર્ષે બ્રિજ ઉપર 20 ફૂટ મોટું ગાબડું પડ્યું છે.

તાજેતરમાં ભારે વરસાદના પગલે કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે પુલનું ધોવાણ થયું હતું. પુલનું ધોવાણ થવાના કારણે બ્રિજ ઉપર 20 ફૂટનું ગાબડું પડ્યું છે. આ ગાબડાની યોગ્ય તપાસ કરતા આ પુલ ઉપર માત્ર માટીથી જ પુરાણ કરેલું દેખાય છે. જેને કારણે જ આ રસ્તો તૂટી પડ્યો છે. પુલમાં સિમેન્ટ, રેતી કે કપચીનું કોન્ક્રિટ બાંધકામ દેખાતું જ નથી. માત્ર માટી પુરાણ કરેલું દેખાય છે. આ માટીનું પુરાણ ભારે વારસાદથી ધોવાઈ જતા મોટુ ગાબડું પડી ગયું છે. એ જોતા કરોડોના ખર્ચે બનેલા આ પુલ તકલાદી અને ગુણવત્તા વિહોણા નબળા પુલનો ઉત્તમ નમૂનો સાબિત થયો છે.