ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ હવે રાજકીય માહોલ જામી રહ્યો છે અને ભાજપ તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં સળવળાટ જોવા મળી રહ્યો છે ત્યારે હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવ્યા છે તેઓની કોંગ્રેસમાં જોડાવાની અટકળો હવે સમાપ્ત થઈ ગઈ છે અને હવે તેઓ પોતાનાજ નવા રાજકીય પક્ષ સાથે ઇલેકશન માં ઝંપલાવશે.

ગુજરાતના પીઢ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ નવા પક્ષ પ્રજાશક્તિ લોકતાંત્રિક પાર્ટી સાથે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી લડશે. વાઘેલાએ ચૂંટણી રાજકારણમાં પોતાના પુનઃ પ્રવેશની ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી અને જણાવ્યું કે, ‘લોકો ભાજપનો વિકલ્પ શોધી રહ્યા છે. મારે માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દરવાજા બંધ છે.
તેથી મેં પ્રજાશક્તિ લોકતાંત્રિક પાર્ટીની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે. આ પાર્ટી દોઢ વર્ષ પહેલાં રજિસ્ટર્ડ થઈ હતી.’

તેઓ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી (JDP)ની સ્થાપના કરે તેવી વાતોએ રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. તેઓ 2019-2020માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ(congress) પાર્ટી (NCP) સાથે હતા.
ભૂતકાળમાં તેઓ ભાજપમાં 27 વર્ષ રહ્યા,ત્યારબાદ તેઓએ રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી અને બે વર્ષ ચલાવી.

ત્યારબાદ તેઓ 19 વર્ષ સુધી સતત કોંગ્રેસ સાથે રહ્યા બાદમાં એમણે જન વિકલ્પ મોરચા નામનો પક્ષ બનાવ્યો હતો, જે બે વર્ષ સુધી ચાલ્યો હતો. ત્યારબાદ તેઓ એક વર્ષ સુધી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા હતા.
શંકરસિંહ વાઘેલા 82 વર્ષના છે અને હજુપણ પોતાનો પક્ષ તૈયાર કરી ચૂંટણી લડવા તૈયારીઓ શરૂ કરી છે.