પાટણ ,તા.22
પાટણ જિલ્લાના પ્રવાસે આવેલા કેન્દ્રીય ટેક્ષટાઇલ્સ મંત્રીશ્રી પિયુષ ગોયલે પોતાના પાટણ પ્રવાસની શરૂઆત ઐતિહાસિક એવાં કાલિકા માતાનાં મંદિરે દર્શન કરીને કરી હતી. દર્શન કર્યા બાદ પાટણની ઓળખ સમી રાણ કી વાવની મુલાકાત લીધી હતી.
વર્લ્ડ હેરિટેજ રાણ કી વાવની મુલાકાત દરમિયાન તેઓ બેનમૂન નકશીકલાને નિહાળી અભિભૂત થયા હતા. રાણ કી વાવની મુલાકાત માટે તેઓએ ટિકિટ ખરીદી હતી. જે બાદ રાણ કી વાવની મુલાકાત લીધી હતી. રૂપિયા 100 ની નોટ પર રાણ કી વાવની પ્રતિકૃતિ આવ્યા બાદ પાટણનાં પ્રવાસન ક્ષેત્રેમાં વધારો પણ થયો છે, એમ તેમણે કહ્યું હતું.
રાણ કી વાવની મુલાકાત બાદ મંત્રીશ્રીએ પાટણની શાન એવા પટોળા નિહાળવા માટે પટોળા હાઉસની મુલાકાત લીધી હતી. જ્યાં પટોળા બનાવવાની સમગ્ર પ્રક્રિયાથી તેઓ અવગત થયા હતા. મંત્રીશ્રીએ પટોળા બનાવતા કારીગરોની સાથે વાતચીત કરી હતી અને તેમને પટોળાની આ કલા વારસો જાળવવા સરકાર શક્ય એટલો સહકાર આપશે એવી ખાતરી આપી હતી અને આ કલા વિકસાવવા સ્કૂલનું આયોજન કરવા તેઓને સલાહ આપી હતી.