શ્રાવણના અંતિમ રવિવારે ભાવિકો સિહોરમાં નવનાથના દર્શને ઉમટ્યા અન્ય શિવાલયો અને બ્રહ્મકુંડે પણ દર્શનાર્થી ઉમટ્યા રાજનાથ , રામનાથ, ભાવનાથ, સુખનાથ, જોડનાથ કામનાથ, ભુતનાથ, ધારનાથ, ભીમનાથના દર્શન પવિત્ર શ્રાવણ માસના ઉત્તરાર્ધના દિવસો ચાલી રહ્યા છે. અને શ્રાવણ માસ એટલે દેવાધિદેવ મહાદેવની પૂજા, અર્ચના અને ભક્તિ કરવાનો માસ. આ માસમાં ભાવિક ભક્તજનો ભોળાનાથની આરાધના કરી ધન્યતા અનુભવે છે. સિહોરમાં નવનાથના બેસણાં છે. ઉપરાંત અન્ય કેટલાય શિવાલયો પણ આવેલા છે. આથી સિહોર છોટે કાશી તરીકે પણ ઓળખાય છે. શ્રાવણ માસમાં ભાવિકોની મોટી ભીડ સિહોરમાં ભગવાન શિવના દર્શનાર્થે ઊમટી પડતી હોય છે. સિહોરમાં આ વરસના શ્રાવણ માસના અંતિમ રવિવારે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. રવિવાર રજાનો દિવસ હોય ભાવિકો પોતાના પરિવાર સાથે નવનાથના દર્શનાર્થ જોવા મળ્યા હતા. આથી સિહોરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગાજી ઊઠ્યા હતા. સિહોરમાં રાજનાથ, રામનાથ, ભાવનાથ, સુખનાથ, જોડનાથ, કામનાથ, ભુતનાથ, ધારનાથ, ભીમનાથ એમ નવનાથ અને પ્રગટનાથ મહાદેવ, પંચમુખા મહાદેવ, મુક્તેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ અને સુપ્રસિદ્ધ ગૌતમેશ્વર મહાદેવ સહિતના શિવાલયો આવેલા છે. આ શિવાલયોમાં શ્રાવણ માસના અંતિમ રવિવારે ભાવિકોએ ભગવાન શિવના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.