દાહોદ જિલ્લાના સિંગવડમાં આરોગ્ય સુવિધાઓ વધુ સુદ્રઢ બની : પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના ખાતમુહૂર્ત, લોકાર્પણ.
સિંગવડ ખાતે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરતા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર.
સિંગવડના પતંગડી ખાતે રૂ. ૧.૦૩ કરોડના ખર્ચે તૈયાર થનાર નવીન આરોગ્યકેન્દ્રનું કરાયું ખાતમુહૂર્ત.
છાપરવડ ખાતે ૧.૧૦ કરોડના ખર્ચે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ.
જિલ્લામાં આરોગ્ય સુવિધાઓ વધુને વધુ બેહતર કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર.
દાહોદના સિંગવડ ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યા હતા. સિંગવડના પતંગડી ખાતે રૂ. ૧.૦૩ કરોડના ખર્ચે તૈયાર થનાર આરોગ્યકેન્દ્રનું ખાતમુહૂર્ત કરી કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે અહીંના છાપરવડ ખાતે ૧.૧૦ કરોડના ખર્ચે નિર્મિત નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. તેમણે જિલ્લામાં આરોગ્ય સુવિધાઓ વધુને વધુ સુદ્રઢ કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સાંસદ શ્રી ભાભોરે જણાવ્યું કે, જિલ્લામાં છેવાડાના દરેક માનવી સુધી આરોગ્ય સુવિધાઓનો લાભ મળતો થયો છે. સ્થાનિક સ્તરે આરોગ્ય સુવિધાઓ મળતા લોકોને મોટી રાહત મળી છે અને ઈલાજ માટે બહાર જવાનું ટળ્યું છે. સરકાર દ્વારા આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક મળતી હોય લોકોને મોટા ખર્ચ થવાની ચિંતાઓ પણ દૂર થઈ છે.
તેમણે જણાવ્યું કે, છાપરવડ ખાતે આસ પાસના ૮ ગામોના ૧૪ હજારથી વધુની વસ્તીને આ આરોગ્યકેન્દ્રનો લાભ મળ્યો છે. આ ગામોમાં આરોડા, જેતપુર, છાપરવડ, ધામણબોરી, રાણીપુર, પીપળીયા, તોયણી, ખુંટા ગામોને આરોગ્ય સુવિધાઓ મળતી થઈ છે. પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર છાપરવડ ખાતે આરોગ્ય સુવિધાઓની વાત કરીએ તો પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં ખાસ ર ઓપીડી વિભાગ, દર્દીઓ માટે વિશાળ વેટીંગ એરિયા,
કુલ ૧૦ બેડ દર્દીઓને દાખલ રાખી શકાય તેવી સુવિધા, પુરુષ અને સ્ત્રી એમ અલાયદા વોર્ડની સુવિધા જેમાં દર્દીઓને સારવાર અપાશે. તેમજ તમામ સુવિધાથી સજ્જ લેબોરેટરી જેમાં રર પ્રકારના ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવશે. સ્રીરોગની સારવાર માટેની સુવિધા ડીલેવરી માટે સ્પેશિયલ લેબર રૂમ પણ અહીં ઉભો કરાયો છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પતંગડી ખાતે મળનારી આરોગ્ય સુવિધાઓ વિશે તેમણે જણાવ્યું કે, અહીંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તમામ અદ્યતન સુવિધાઓ દર્દીઓને નિઃશુલ્ક પુરી પડાશે. જેમાં મુખ્ય ભવન, પોસ્ટ મોર્ટમ રૂમ, આંતરિક સીસી રોડ, બોર વિથ મોટર, કમ્પાઉન્ડ વોલ, લેબર રૂમ, લેબોરેટરી, ડ્રેસિંગ રુમ, દર્દીઓ માટે વિશાળ વેઇટિંગ એરિયા, પુરુષ તેમજ સ્ત્રીઓ માટે અલાયદા વોર્ડની સુવિધા, દાખલ રાખવા માટે ૧૦ બેડની સુવિધા, બેડ ઉપર ઓક્સીજન સહિતની સુવિધાઓ અપાશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાએ રાજ્ય સરકાર છેવાડાના માનવીને ઘરઆંગણે જ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થાય એ માટે કટિબદ્ધ હોવાનું જણાવતા જિલ્લામાં આરોગ્ય સેવાઓ સુદ્રઢ બની હોવાનું જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ જિલ્લામાં નાગરિકોને મળી રહેલી વિવિધ આરોગ્ય સુવિધાઓ વિશે માહિતી આપી હતી. તેમણે લોકોને કોરોના સામે જેમનો બુસ્ટર ડોઝ બાકી હોય તેમને સત્વરે ડોઝ લઈ લેવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી અશ્વિનભાઈ મકવાણા, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ચન્દ્રકાન્ત પટેલ સહિતના અધિકારીશ્રીઓ, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.