તેલંગાણાની મુનુગોડે વિધાનસભા બેઠકની પેટાચૂંટણી વધુ રસપ્રદ બની છે. કોંગ્રેસ અહીં જીત માટે નવો દાવ અજમાવવા માટે તૈયાર છે. મતવિસ્તારમાં કોંગ્રેસના પ્રતિનિધિઓએ એક લાખ લોકોના ચરણ સ્પર્શ કરવાનું આયોજન કર્યું છે. તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (TPCC) પ્રમુખ અને કોંગ્રેસના સાંસદ એ રેવંત રેડ્ડીએ રવિવારે આ માહિતી આપી હતી. નોંધનીય છે કે તાજેતરમાં મુનુગોડે સીટના કોંગ્રેસના ધારાસભ્ય કે. રાજગોપાલ રેડ્ડી ભાજપમાં જોડાયા હતા, ત્યારપછી આ સીટ પર ચૂંટણીની જરૂરિયાત ઉભી થઈ છે.
કોંગ્રેસનો આ કાર્યક્રમ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. રેવન્ત રેડ્ડીએ કહ્યું, ‘તેલંગાણાને 17 સપ્ટેમ્બરે આઝાદી મળી હતી. આ તે દિવસ છે જ્યારે આપણે આપણી આઝાદી મેળવી હતી. રાજ્ય માટે આ એક શુભ દિવસ છે, તેથી અમે જનતાને કોંગ્રેસ પાર્ટી વિશે જણાવવા માટે આ કાર્યક્રમ શરૂ કરીશું, જેને ‘લોકશાહીને સલામ’ નામ આપવામાં આવ્યું છે.
કોંગ્રેસના સાંસદ રેડ્ડીએ કહ્યું, “મોદી અને કેસીઆર પૈસાનો ઉપયોગ કરીને લોકશાહીને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ધ્યાનમાં રાખો કે અહીંના લોકોએ નિઝામ સામે લડીને આઝાદી મેળવી છે. તેઓ (ભાજપ અને ટીઆરએસ) મુનુગોડે મતવિસ્તારમાં પેટાચૂંટણી જીતવા માટે 1000 કરોડનો ખર્ચ કરીને લોકશાહીની હત્યા કરવા માંગે છે. હવે અમારા 1,000 કોંગ્રેસી કાર્યકરો 100 લોકોના ચરણ સ્પર્શ કરશે, જે 1,000થી ગુણાકાર થાય તો એક લાખ થઈ જશે. પીસીસી પ્રમુખ તરીકે હું પણ તેમાં ભાગ લઈ રહ્યો છું.
રેવન્ત રેડ્ડીએ કહ્યું કે નિઝામ સામે લડનારા જૂના લોકો ગામડાઓમાં રહે છે. હું તેમની સાથે લડાઈ શરૂ કરવા માગું છું. તેમણે કહ્યું કે જે પણ વ્યક્તિ મુનુગોડે માટે કામ કરવા માંગે છે તે આ પ્રોગ્રામ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જો કે, ફક્ત પ્રથમ 1000 નોંધણીઓને જ આવું કરવાની તક મળશે. અમે આ અભિયાન 17 સપ્ટેમ્બરથી શરૂ કરી રહ્યા છીએ, જે પેટાચૂંટણી સુધી ચાલુ રહેશે.
નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે મુનુગોડે વિસ્તારમાં જનસભાને સંબોધિત કરવાના છે. એક દિવસ અગાઉ તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે શનિવારે મુનુગોડેમાં એક જનસભાને સંબોધિત કરી હતી. પેટાચૂંટણી માટે રાવની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. તેલંગાણાના પ્રભારી અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે કહ્યું કે રાજગોપાલ રેડ્ડી અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાશે